- લોકસભા ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ
- ચૂંટણી વ્યવસ્થા અને સંચાલનના વિવિધ વિષયો અંગે માર્ગદર્શન અપાયું
મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલી કાર્યપ્રણાલી અને નિયમોનું સુચારૂ પાલન થાય તે માટે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓનો એક દિવસીય તાલીમ વર્કશૉપ યોજાયો હતો. જેમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા ચૂંટણી વ્યવસ્થા અને સંચાલનના વિવિધ વિષયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
ગાંધીનગર ખાતે યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા ઓછું મતદાન ધરાવતા મતવિસ્તારોમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો હાથ ધરવા જરૂરી ચર્ચા કરી મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) ની અમલવારી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ પાસેથી પણ પ્રતિભાવો મેળવી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ પરિણામલક્ષી પ્રયાસો કરવા અપીલ કરી હતી.
અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્ય દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટેના પગલા લેવા, આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલીકરણ, ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ IT પ્લેટફોર્મ્સ, સોશિયલ મીડિયાના નિયમિત અને અસરકારક ઉપયોગ તથા વેબકાસ્ટીંગ જેવા વિષયો પર તાલીમ આપવામાં આવી.
આ ઉપરાંત સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી એ.બી. પટેલ દ્વારા પોસ્ટલ બૅલેટ, ઉમેદવારી પત્રો, પોલીંગ સ્ટાફ, પોલીંગ સ્ટેશન અને EVM જેવા વિષયો પર પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર સમજ આપવામાં આવી હતી. જ્યારે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી પી.ડી. પલસાણા દ્વારા મીડિયા, તાલીમ અને એક્સેસિબીલીટી અંગે તાલીમ આપવામાં આવી હતી.
આ એક દિવસીય તાલીમ કાર્યક્રમના દરેક સેશન બાદ રસપ્રદ પ્રશ્નોત્તરી દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓનું અગત્યના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા નોડલ અધિકારીશ્રી (પોસ્ટલ બૅલેટ) તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.