PUBG ના રમવા દેવાને કારણે ગુસ્સે થયેલા 16 વર્ષના છોકરાએ તેની માતાની ગોળી મારીને હત્યા કરી છે. એ પછી તે માતાના શબની સાથે ત્રણ દિવસ સુધી રહ્યો હતો. 10 વર્ષની બહેનને પણ ધમકાવીને રોકી રાખી હતી.
મૃતદેહમાંથી દુર્ગંધ આવવાની શરૂઆત થયા પછી તેણે આર્મીમાં અધિકારી એવા પિતાને ફોન કરીને જણાવ્યું કે તેણે માતાની હત્યા કરી છે. પિતાએ આ અંગે પોલીસને જાણ કર્યા પછી મંગળવારે રાતે પોલીસે શબને બહાર કાઢ્યું હતું.
વારાણસીના રહેવાસી નવીન કુમાર સિંહ સેનામાં જુનિયર કમિશન્ડ અધિકારી છે. તેમનું પોસ્ટિંગ હાલ પશ્ચિમ બંગાળમાં છે. લખનઉની પીજીઆઈ વિસ્તારમાં યમુનાપુરમ કોલોનીમાં તેમનું મકાન છે. ત્યાં તેમની પત્ની સાધના પોતાના 16 વર્ષના પુત્ર અને 10 વર્ષની છોકરીની સાથે રહેતી હતી.
પુત્રએ મંગળવારે રાતે પોતાના પિતા નવીનને વીડિયો કોલ કરીને જણાવ્યું કે તેણે પોતાની માતાની હત્યા કરી દીધી છે. તેણે પિતાને શબ પણ દેખાડ્યું. નવીને તેમના એક સંબંધીને ફોન કરીને તાત્કાલિક પોતાના ઘરે મોકલ્યો.
ADCP કાશિમ આબ્દીના જણાવ્યા મુજબ, પુત્ર મોબાઈલ ગેમ રમવાની ટેવ ધરાવતો હતો, જોકે સાધના તેને ગેમ રમતો અટકાવતી હતી. શનિવારે રાતે પણ તેણે પુત્રને ગેમ રમતો અટકાવ્યો હતો. પુત્ર આ વાતથી નારાજ હતો. લગભગ 2 વાગ્યે જ્યારે સાધના ઊંધમાં હતી ત્યારે તેણે માળિયામાંથી પિતાની પિસ્તોલ કાઢીને માતાની હત્યા કરી દીધી હતી. પછીથી બહેનને ડરાવી-ધમકાવીને તે રૂમમાં બંધ કરી દીધી.