RAJKOT : કોરોનાની ત્રીજી લહેરને લઇને રાજકોટ પ્રશાસન ચિંતિત છે. ત્રીજી લહેરમાં સૌથી વધુ બાળકો સંક્રમિત થાય તેવી આશંકા છે, તેથી જ રાજકોટમાં જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં બાળકોના આરોગ્યની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
તંત્રએ 5 વર્ષ સુધીના 1 લાખ 43 હજાર 355 બાળકોનો સર્વે હાથ ધર્યો હતો. તેમના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ બાળકોમાંથી કેટલાક બાળકોમાં અમૂક પ્રકારની ખામીઓ સામે આવી છે. જેમાં 142 બાળકોમાં જન્મજાત ખામી જોવા મળી.
જ્યારે 430 બાળકોમાં લોહતત્વની ખામી સામે આવી છે, તો સૌથી મહત્વની બાબત એ છે કે, 550 બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું છે. તો 166 બાળકોમાં અન્ય રોગ જોવા મળ્યા હતા.એટલું જ નહિં વિકાસ દર ઓછો હોય તેવા 91 બાળકો સામે આવ્યા. તપાસ બાદ 3965 બાળકોને તબીબી સારવાર માટે મોકલવામાં આવ્યા છે, જેમાં 3959 બાળકોની મેડિકલ ટીમે તપાસ કરી હતી.
298 બાળકોને વધુ સારવાર માટે રાજકોટની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તો પાંચ વર્ષ સુધીના બાળકોની તપાસ કરવામાં આવી છે, પરંતુ આગામી દિવસોમાં 6 થી 10 વર્ષના બાળકોના સ્વાસ્થ્યની પણ તપાસ કરવામાં આવશે, જેમાં 3 લાખ બાળકોનો સમાવેશ કરવામાં આવશે.