Thu. Nov 21st, 2024

રાજકોટના TRP ગેમ ઝોનની આગમાં 24 લોકો મોત, 4 લોકોની અટકાયત, 40 લોકોનો સ્ટાફ ફરાર

  • ગેમ ઝોનનો માલિક યુવરાજ સિંહ ફરાર, ચારની અટકાયત
  • આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી
  • મૃતકના પરિજનોને ચાર લાખની, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય
  • મૃતદેહોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરાશે 
  • ગેમ ઝોનનો 30-40 લોકોનો સંપૂર્ણ સ્ટાફ ફરાર 
  • મોટા ભાગના મૃતકો ગોંડલના, મૃતકોમાં 9 બાળકોની ઉંમર 18થી ઓછી

રાજકોટ: નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 24 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. અહેવાલો પ્રમાણે, આ ઘટના પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન અનેક લોકોને બચાવી પણ લેવાયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે. મળતા અહેવાલો મુજબ આ ઘટનામાં પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે. તેમજ ગેમ ઝોનનો 30-40નો સ્ટાફ ફરાર થયો હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે.

મોટા ભાગના મૃતકો ગોંડલના, મૃતકોમાં 9 બાળકોની ઉંમર 18થી ઓછી

ગેમ ઝોનની સફરે આવીને આગના કારણે મોતના મુખમાં ધકેલાઈ જનારા તમામ મૃતકો ગોંડલના હોવાનું કહેવાય છે. આ દરમિયાન કુલ 24 મૃતદેહ રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. પ્રત્યક્ષદર્શીઓના મતે અનેક મૃતદેહો રાખમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે કેટલાકની તો ઓળખ પણ થઈ શકે એમ ન હતી.  પ્રાથમિક તપાસ પ્રમાણે, આ મૃતકોમાં મોટા ભાગના બાળકો હોવાનું કહેવાય છે. મૃતકોમાં 9થી વધુ બાળકોની ઉંમર 18થી ઓછી હોવાના અહેવાલ મળ્યા છે.

ગેમ ઝોનનો માલિક યુવરાજ સિંહ ફરાર, ચારની અટકાયત

TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે. જો કે આ ઘટના પછી યુવરાજ સિંહ સોલંકી ફરાર થઈ ગયો છે. જો કે ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે અગ્નિકાંડ મુદ્દે ચાર લોકોની અટકાયત કરી છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી

નાના મવા રોડ પરના TRP ગેમ ઝોનમાં અચાનક આગ લાગી હતી. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ હતી કે, પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.’ બીજી તરફ, ફોરેન્સિક ટીમ પણ ગેમ ઝોનની તપાસ કરવા પહોંચી છે.

મૃતકના પરિજનોને ચાર લાખની, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય

રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના મામલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.

Article Content Image

મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરીને ઓળખ કરાશે 

આ ભીષણ આગમાં મૃતદેહો ઓળખાય નહીં એ હદે સળગી ગયા હતા. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું હતું કે, ઘણાં મૃતદેહો બળી ગયેલા છે. હાલ કેટલાક મૃતદેહની ઓળખ પણ થઈ શકી નથી, પરંતુ અમે ડીએનએ ટેસ્ટ કરી મૃતદેહો ઓળખીશું.

Article Content Image

આગ દુર્ઘટના અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી

આગની ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું ‘રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે મહા નગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચના આપી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને પ્રાથમિકતા આપવાની પણ સૂચના અપાઈ છે.’

 

Article Content Image

ગેમ ઝોનનો 30-40 લોકોનો સંપૂર્ણ સ્ટાફ ફરાર 

આ ઘટના પછી  TRP ગેમ ઝોનનો 30થી 40 લોકોનો સંપૂર્ણ સ્ટાફ ફરાર થઈ ગયો છે. આ ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે. જો કે આ ઘટના પછી યુવરાજ સિંહ સોલંકી પણ ફરાર છે. આ ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું, પરંતુ હાલ તેમનો પણ કોઈ પત્તો નથી.

આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીં આવે 

આ બનાવની જાણ થતાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે જાનહાનિની આશંકા વ્યક્ત કરતાં તમામ લોકો સલામત બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘અત્યારે પ્રાથમિક્તા આગ બૂઝાવવાની છે. આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીંં આવે.’

Related Post

Verified by MonsterInsights