સુરત પોલીસ અધિકારી અને જવાનો માટે ખાસ કોવિડ એપની શરૂઆત કરવામાં આવી છે. આ એપના માધ્યમથી શહેરના પોલીસ જવાનો અને અધિકારીઓ કોરોનાના લક્ષણો દેખાતા શહેરના ડૉક્ટરો સાથે સંપર્ક કરી શકશે અને તેમની સાથે જ વર્ચુઅલ વીડિયો કોલ કરી કોરોનાને લગતી મૂંઝવણ અંગે સવાલ જવાબ કરી શકશે.
સુરત જિલ્લામાં કોરોના ફેઝ 2માં પણ લોકોની સેવા કરનાર પોલીસ જવાનો માટે કોવિડ એપની રચના કરવામાં આવી છે. ફ્રન્ટ લાઇન વોરીયર્સ તરીકે કોરોના કાળમાં ફરજ બજાવી રહેલા સુરત પોલીસના અનેક જવાનો કોરોના સંક્રમિત થયા છે. સુરતમાં આઠ જેટલા પોલીસ કર્મીઓનું કોરોનાથી મૃત્યું થયું છે.
હાલ પણ ફેસ 2માં રાત્રી કર્ફ્યુથી લઇ કોરોના ગાઈડલાઈનનો પાલન કરાવવા માટે પોલીસ જવાનો સતત ફરજ બજાવી રહ્યા છે. શહેરના પોલીસ જવાનો માટે ખાસ એપ્લિકેશનની રચના કરવામાં આવી છે, જેથી શહેર પોલીસના અધિકારીઓ અને જવાનોને કોરોનાને લગતી કોઈપણ માહિતી જોઈતી હશે તો તેઓ આ એપ્લિકેશન માધ્યમથી મેળવી શકશે અને શહેરના ડૉક્ટરો તેમજ નિષ્ણાંતો સાથે સીધો સંપર્ક કરી શકશે.
આ અંગે શહેરના પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે કોવિડ એપ્લિકેશન શહેરના પોલીસ અધિકારી અને જવાનો માટે તૈયાર કરવામાં આવી છે. કોવિડ લક્ષણો દેખાતા કોઈપણ પોલીસ કર્મી આ એપ્લિકેશનના માધ્યમથી ડૉક્ટરો સાથે સંપર્ક કરી શકશે.
આ એપ્લિકેશનમાં MD ડૉકટર, ફિઝિશિયન, યોગા ટ્રેનર સહિત મનોચિકિત્સકની તમામ માહિતી છે અને માહિતી મુજબ પોલીસ કર્મી તેમની સાથે સંપર્ક કરી નિદાન મેળવી શકશે, એટલું જ નહીં પોતાની તમામ કોરોનાની વિગતો આ એપ્લિકેશનના માધ્યમથી પોતાનો રેકોર્ડ પણ મેન્ટેન કરી શકશે. ડૉક્ટર સાથે વર્ચ્યુઅલ મિટિંગ પણ કરી શકશે.