સુરત : 23 જુલાઈથી જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિક્સનો પ્રારંભ થઈ રહ્યો છે. સુરત માટે ગૌરવની વાત છે કે સુરતના જીમનાસ્ટિક સાથે સંકળાયેલા દિપક કાબરાની જજ તરીકે પસંદગી કરવામાં આવી છે. ટોકિયો ઓલિમ્પિકમાં આર્ટિસ્ટિક જીમનાસ્ટિકમાં જજ તરીકે પસંદ થયેલ તે એકમાત્ર ભારતીય છે.
સુરતમાં રહેતા દિપક કાબરાને ઓલિમ્પિકમાં ખેલાડી તરીકે રમી ન શકવાનું દુઃખ છે. પરંતુ હવે નિર્ણાયક તરીકે તેમની પસંદગી થતા એ વાતનું તેમને ગૌરવ અને ખુશ છે. તેમણે કહ્યું કે, દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરે. તેમનું પણ આ સપનું હતું. પરંતુ હવે આ સપનું ઓલિમ્પિકમાં જજ બનીને સાકાર થયું છે.
દીપક કાબરાએ બાદમાં જજ તરીકેની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. તેણે આ કામગીરી 2009 માં શરૂ કરી હતી. 2017 માં, તેણે ઇન્ટરનેશનલ પરીક્ષા આપી હતી. પરીક્ષા પાસ કરીને તે ઇન્ટરનેશનલ જજ બન્યા હતા. છેલ્લા 4 વર્ષ સુધી ઓલિમ્પિકમાં જજ માટે સિલેક્શન થવા અંગે વિવિધ સ્પર્ધામાં જજ તરીકેનું પરફોર્મન્સ જોવાય છે. દુનિયાભરમાંથી જીમનાસ્ટિકમાં 50 જજ સિલેક્ટ થયા છે. જ્યારે ભારતમાંથી પહેલીવાર તેમની પસંદગી થઈ છે. દિપક કાબરા અત્યાર સુધીમાં 20થી વધુ ઇન્ટરનેશનલ જીમનાસ્ટિકમાં સ્પર્ધામાં જજની સેવા આપી ચુક્યા છે. તેમણે કોમનવેલ્થ, એશિયન ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, યુથ ઓલમ્પિક સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કામગીરી બજાવી આપી છે.
5 વર્ષ સુધી દિપક કાબરા ગુજરાતના સ્ટેટ ચેમ્પિયન રહી ચૂક્યા છે. બાદમાં ખેલાડી તરીકે નિવૃત્તિ લીધી હતી. અને ઇન્ડિયામાં સ્પોર્ટ્સની વેલ્યુ વધી રહી છે. જો તમે ખેલાડી તરીકે નિષ્ફળ જાઓ તો પણ કોચ, એમ્પાયર, કૉમેન્ટ્રેટર, જજ, રેફરી તરીકે કારકિર્દી બનાવી શકો છો.