VADODARA : કોર્પોરેશનની હાઉસિંગ યોજનાના મકાનોના ડ્રો થયા પછી લાભાર્થીઓના નામની યાદી બદલવાના કેસમાં FIR નોંધાઇ છે. કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા તથા MIS એક્સપર્ટ નિશીથ પીઠવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જ્યારે MIS એક્સપર્ટ નિશીથ પીઠવા કોન્ટ્રાક્ટ પર હોવાથી તેમને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે. કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાએ કોઇના દબાણ હેઠળ યાદી બદલી નાખ્યાની કબૂલાત કરી છે. આ બંને આરોપીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે નવાપુરા પોલીસ પાસેથી તપાસ લઇને સમગ્ર કૌભાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે.
ક્રાઇમ બ્રાન્ચે ગત રાતે જ બંને આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, સરકારના વિકાસ દિનની ઉજવણી નિમિત્તે યોજાયેલા 156 હાઉસિંગ મકાનોના ડ્રોની યાદીમાં 42ના નામ બદલાઇ ગયા હતા. જો કે હવે, સમગ્ર કૌભાંડ બહાર આવતા પહેલી યાદીમાં જેઓના નામ હતા તેઓને જ મકાન મળશે. આ તરફ રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે કહ્યું કે માત્ર આ વખતે જ નહીં, કદાચ આ પહેલાના ડ્રોમાં પણ ગફલત થઇ હોય તેવી સંભાવના છે.
યોગેશ પટેલે કહ્યું કે, આવા કૌભાંડમાં સંડોવાયેલા કોઇ પણ લોકોને છોડવામાં નહીં આવે અને આની પહેલાના ડ્રોની તપાસ કરવા પણ કોર્પોરેશનને સૂચના આપી દેવાઇ છે.