Fri. Apr 26th, 2024

‘સ્ટોનકિલર’ સતત 70 દિવસ સુધી આ શબ્દએ રાજકોટમાં હાહાકાર મચાવી દીધો,જાણો કોણ છે આ વ્યક્તિ

By Shubham Agrawal Jul21,2021

‘સ્ટોનકિલર’ સતત 70 દિવસ સુધી આ શબ્દએ રાજકોટમાં હાહાકાર મચાવી દીધો હતો. બોલિવુડ ફિલ્મ રઘુરામ રાજનને પણ ટક્કર મારે તેવી મર્ડર મિસ્ટ્રી રાજકોટમાં સામે આવી હતી. એક વ્યક્તિએ રાજકોટમાં ત્રણ-ત્રણ હત્યાઓ કરી. રાજકોટ પોલીસના નાકે દમ લાવનાર આ સ્ટોન કિલર કોણ હતો?. શા માટે તેણે આટલી હત્યાઓને અંજામ આપ્યો તે કોયડો ઉકેલવામાં પોલીસને 70 દિવસ લાગ્યા હતા. આ શખ્સે રાજકોટમાં કઇ રીતે હત્યાઓને અંજામ આપ્યો. પોલીસે તેને પકડવા માટે કેટલી મથામણ કરી તે એક બોલિવુડની ફિલ્મ કરતા સહેજે પણ ઓછું રસપ્રદ નથી. સ્ટોનકિલર-સમલૌંગિક સબંધથી લઇને હત્યા સુધીની આ કહાનીમાં સ્ટોનકિલર અને તેની ક્રાઇમ કુંડળી વિશે વાત કરીએ.

સમલૈંગિક સંબંધ ધરાવતા યુવકની હત્યા

તારીખ 20 એેપ્રિલ 2016 સમય સવારે 7 વાગ્યાનો રાજકોટ શહેરના ભક્તિનગર સ્ટેશન વિસ્તારના અવાવરૂ પ્લોટમાં લોહીથી લથબથ થયેલી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચેલી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. જે સ્થળે આ લાશ પડી હતી તેની બાજુમાં જ એક લોહીવાળો પથ્થર પડ્યો હતો. આ દ્રશ્યો ત્યાંથી પસાર થનાર રાહદારીએ જોયા અને પોલીસને જાણ કરી. આ વિસ્તાર રેલવે પોલીસમાં આવતો હોવાથી રેલવે પોલીસે તપાસ શરૂ કરી. અવાવરૂ પ્લોટમાં પથ્થરોના ઘા ઝીંકેલી હાલતમાં આ લાશ કોની છે, કોણે આ વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો અને શા માટે હત્યા થઈ, આ કોયડો ઉકેલવા માટે પોલીસ મથામણ શરુ કરી દીધી હતી. મૃતક વ્યક્તિના વર્તણુક, તેના કપડાં અને તેની પાસેથી મળેલી કેટલીક ચીજવસ્તુઓ પરથી પોલીસે આ લાશ કોની છે તેની તપાસ શરૂ કરી અને પોલીસ તપાસમાં સામે આવ્યું કે મરનાર વ્યક્તિનું નામ સાગર મેવાડા છે જેની ઉંમર 25 વર્ષની છે અને તે મવડી વિસ્તારમાં રહે છે. સાગર શાકભાજીનો ઘંધો કરતો હતો અને સામાન્ય રીતે તે વહેલી સવારે માર્કેટીંગ યાર્ડમાં રહેતો હતો પરંતુ સાગર ભક્તિનગર સ્ટેશન પ્લોટ સુધી કઇ રીતે પહોંચ્યો તે વાત પોલીસ સમજી શકી ન હતી.

સાગર મેવાડાની હત્યા અંગે પોલીસે તપાસ શરૂ કરી પરંતુ કોઇ નક્કર કડી મળી નહિં. પોલીસ તપાસમાં મૃતકના પરિવારજનોએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે સાગર સમલૈંગિક સબંધો રાખવાની ટેવવાળો હતો તેથી પોલીસને અનૈતિક સબંધો મોત પાછળ કારણભૂત હોય તેવું લાગ્યું. આ બનાવનો ભેદ ઉકેલવા માટે સાગરના કોલ ડિટેઇલના આધારે અનેક સમલૈંગિક સબંધો ધરાવતા વ્યક્તિઓની પુછપરછ કરવામાં આવી પરંતુ પોલીસના હાથે કોઇ નક્કર કડી લાગી નહિ.

પથ્થરના ધા ઝીંકીને રીક્ષાચાલકની હત્યા

સાગર મેવાડાની હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ મથામણ કરી રહી હતી ત્યાં 23 મે 2016ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેઇટ નજીક લોહીના ખાબોચીયા સાથે બેભાન હાલતમાં એક પુરુષ પડ્યો હતો. સ્થાનિક લોકોએ 108ની મદદથી આ વ્યક્તિને સિવીલ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો જો કે, ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું. હત્યા કે અકસ્માત તે અંગે પોલીસ અવઢવમાં હતી જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટે માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત થયું હોવાનો રિપોર્ટ આપ્યો જેથી આ હત્યા છે તેવું સ્પષ્ટ થયું હતું. આ દરમિયાન મૃતક પુરૂષના સગાં સબંધીઓ તેની શોધમાં સિવીલ હોસ્પિટલ પહોંચ્યા જ્યાં સામે આવ્યું આ એક રીક્ષાચાલક છે જેનું નામ પ્રવિણભાઇ બારડ છે.

ભારે હ્રદયે પ્રવિણભાઇના પરિવારજનોએ પોલીસને તેની લાશને ઓળખી બતાવી, શાંત સૌમ્ય પ્રવીણભાઇની હત્યા કોઇ શા માટે કરે. અજાતશત્રુ એવા પ્રવીણભાઇની હત્યા પાછળ શું કારણ હોઇ શકે તે વાત પોલીસ અને પ્રવીણભાઇના પરિવારજનોને ખૂંચી રહી હતી. જો કે એક જ મહિનામાં પથ્થરના ધા ઝીંકીને બીજી હત્યાએ પોલીસને આ હત્યા સાગર મેવાડાની હત્યા સાથે કોઇ કનેકશન તો નથી ને તે દિશામાં વિચારતા જરૂર કરી દીધા હતા.

હત્યાની કોશિશ અને સ્ટોન કીલરનો ડર

શહેરમાં એક મહિનામાં એક જ મોડસ ઓપરેન્ડીથી થયેલી બે બે હત્યાએ પોલીસની ઉંધ ઉડાવી દીધી હતી. શહેરના ગોંડલ રોડ પર રહેતા જયેશ નામના વ્યક્તિના મોબાઇલ ફોન પર હિન્દી ભાષામાં મારી નાખવાની ધમકીના ફોન આવવા લાગ્યા. જયેશે તેની આ વાત એક પત્રકારને કરી. જયેશે પોતાના પરિચીત પત્રકારને કહ્યું કે 26 મે 2016ના રોજ રાત્રીના સમયે એક યુવક તેને મળ્યો હતો અને તેને કાલાવડ રોડ પર અવાવરૂ સ્થળે લઇ ગયો હતો અને ત્યાં તેને પથ્થરના ઘા મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પત્રકારને જયેશની વાત ભુતકાળમાં બનેલી બે હત્યાઓ સાથે મળતી હોય તેવી શંકા લાગી અને તુરંત જ તેને પોલીસનો સંપર્ક કર્યો, તે સમયે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી.વી.બસિયાએ જયેશની પુછપરછ કરી જો કે, જયેશ ડરના કારણે પોલીસની સમક્ષ કંઇ ન બોલ્યો, જે વાત તેને પત્રકારને કરી હતી તે વાત પોલીસ સમક્ષ ન બોલી શક્યો. જયેશ એટલો ડરી ગયો હતો કે પોલીસે પણ તેને દબાણ ન કર્યું અને આ વાત અહીંથી અટકી ગઇ.

ફરી મળ્યો મૃતદેહ અને સામે આવ્યો સ્ટોનકિલરનો ચહેરો

એક તરફ પોલીસ બે બે હત્યાઓની તપાસ કરી રહી હતી. જયેશે પત્રકાર સમક્ષ આપેલી કબુલાતથી પોલીસને એટલું ચોક્કસ લાગતું હતુ કે બે હત્યાને અંજામ આપનાર અને જયેશ પર હુમલો કરનાર એક જ વ્યક્તિ છે. સાગરની હત્યાની શંકાના આધારે પોલીસે સમલૈગિંક સબંધો ઘરાવતા વ્યક્તિઓ પર સર્વેલન્સ વધારી દીધું, રાત્રી દરમિયાન ગોંડલ રોડ ચોકડી, અવધ બંગલો, મોરબી રોડ ચોકડી, ત્રિકોણ બાગ, જ્યુબેલી બાગ જેવા શંકાસ્પદ સ્થળો કે જ્યાં સમલૈંગિક ટેવ ઘરાવતા લોકોની અવરજવર વધારે હોય તેવા વિસ્તારોમાં તપાસ અને વોચ ગોઠવવા લાગ્યા પરંતુ પોલીસને કોઇ નક્કર કડી મળી નહિં.

આ તરફ પોલીસ હત્યાના ભેદ ઉકેલવા મથી રહી હતી ત્યાં 2 જૂન 2016ના દિવસે કણકોટ ગામના પાટીયા નજીકથી લાશ મળી હતી. આ પણ લાશ પથ્થરોના ઘા ઝીંકેલી હાલતમાં હતી જેથી વહેલી સવારે જ પોલીસ દોડતી થઇ ગઇ. ફરી સ્ટોનકિલરની આશંકાએ પોલીસે તપાસ તેજ કરી દીધી. જે વ્યક્તિની હત્યા થઇ તેનું નામ વલ્લભ રાણીંગા હોવાનું સામે આવ્યું હતું. જો કે આ વખતે પોલીસના નસીબ સારા હતા પોલીસને તપાસ દરમિયાન અશોક ગાર્ડન નજીર એક સીસીટીવી હાથ લાગ્યાં જેમાં મૃતક વલ્લભભાઇ સાથે સ્ટોનકિલરનો ચહેરો જોવા મળ્યો.

છેલ્લા દોઢ મહિનાથી હત્યાનો ભેદ ઉકેલવા માટે મથતી પોલીસને એક આશા બંધાઇ, એક સીસીટીવી ફુટેજની મદદથી પોલીસે આ હત્યારાને પકડવા માટે કમ્મર કસી પરંતુ એટલું સરળ ન હતું આ હત્યારાને પકડવું. શાતિર શખ્સને પકડવા માટે પોલીસે અનેકરૂપ ધારણ કર્યા હતા અનેક લોકોની કરી હતી પુછપરછ.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights