વડોદરાના તરસાલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બુધવારની મોડી રાત્રે શેરડીનો રસ પીધા બાદ બે જણના મોત થયા હતા. જોકે આ કિસ્સો શુક્રવારે સામે આવ્યો હતો.
પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વગર જ બન્નેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. શેરડીના રસનું કોલુ ચલાવનાર આધેડની જ પત્ની અને પિતાના મોત થયા છે જ્યારે આધેડનો ૨૪ વર્ષનો પુત્ર ગંભીર છે અને આઇસીયુમાં દાખલ છે. આધેડ પોતે પણ સારવાર માટે એસએસજીમાં દાખલ થયો અને પોલીસ તપાસ માટે આવી ત્યારે સમગ્ર હકિકત સપાટી પર આવી એટલે પોલીસ પણ હવે આ કેસમાં ગોથે ચઢી છે.
હત્યા, સમૂહિક આપઘાત કે પછી ફુડ પોઇઝનિંગ : પોલીસ ગોથે ચઢી
મકરપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.એન પરમારે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે તરસાલી વિસ્તારમાં નંદનવન સોસાયટી પાસે શેરડીના રસનું કોલુ ચલાવતો ૫૨ વર્ષનો ચેતન સોની એસએસજીમાં સારવાર માટે દાખલ થયો છે. તેને ઝેરની અસર હોવાનું માલુમ થતાં પોલીસ તપાસ અર્થે પહોંચી હતી ત્યારે ચેતન સોનીએ એવી કેફિયત રજૂ કરી તે શેરડીના રસનું કોલુ ચલાવે છે અને બુધવારે મોડી રાત્રે તેના પરિવાજનોએ રસ પીધા બાદ તબીયત લથડી હતી જેમાં તેની પત્ની બિંદુ અને પિતા મનહરભાઇનું ઘરમાં જ મોત થયુ હતું. જ્યારે તેને ૨૪ વર્ષનો પુત્ર આકાશ એસએસજી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ છે.
આ ઘટના બાદ ચેતન અને અન્ય પરિવાજનોએ પત્ની અને પિતાના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા જે બાદ ચેતન પોતે પણ એસએસજી હોસ્પિટલમા દાખલ થઇ ગયો છે. પોલીસને હવે આ આખી થિયરી શંકાસ્પદ લાગી રહી છે. આ ઘટના હત્યાની છે, સામૂહિક આપઘાતની છે કે ફુડ પોઇઝનિંગની છે તે અંગે તપાસ શરૃ કરી છે. આજે મોડી રાત્રે મકરપુરા પોલીસ નંદનવન સોસાયટી ખાતે દોડી ગઇ હતી અને ઘટના સંદર્ભે પુરાવા એકઠા કરવાની કામગીરી શરૃ કરી દીધી છે.
શેરડીના રસમાં પોટેશિયમ સાઇનાઇડ ભેળવ્યુ હોવાની શંકા
શેરડીનો રસ પીધા બાદ બેના મોતની ઘટના અંગે તપાસ કરી રહેલ મકરપુરા પી.આઇ. જે.એન. પરમારે કહ્યું હતું કે આ ઘટના શંકાસ્પદ લાગતા અમે ઊંડાણથી તપાસ કરી રહ્યા છે. હાલમાં એવી માહિતી મળી છે કે શેરડીના રસમાં પોટેશિયમ સાઇનાઇડની ગોળી ભેળવવામાં આવી હતી જેના કારણે રસ પીધા બાદ ઝેરી અસર થઇ છે.