ફતેપુરા તાલુકા મા ડીજે,માઇક જેવા સાઉન્ડ સીસ્ટમનો બેફામ ઉપયોગ કરનારા ચેતી જાય.સાધનો જપ્ત કરવાથી લઇને ધરપકડ સુધીના કડક પગલા લેવામાં આવશે
• રાત્રીના ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી આ પ્રકારના સાધનો વગાડી શકાશે નહી
• હોસ્પીટલો-શાળાઓ જેવા શાંત વિસ્તારમાં આવા સાધનો વાપરી શકાશે નહી
• ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ માલીક, ભાગીદાર, મેનેજર, સંચાલકની ધરપકડ તેમજ ડીજે-સાઉન્ડ સિસ્ટમ પણ જપ્તે કરવામાં આવશે.
દાહોદ જિલ્લામાં લગ્ન પ્રસંગોમાં તેમજ સભા-સરઘસ-રેલીઓ જેવા પ્રસંગોએ લાઉડ સ્પીકરનો બેફામ ઉપયોગ કરનારા લોકો સામે કડક પગલા લેવા માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ એક જાહેરનામા થકી આદેશ કર્યો છે. જાહેરનામા મુજબ ઘોંઘાટભર્યા ડીજે, સાઉન્ડ સિસ્ટમ, માઇક વગેરેનો બેફામ ઉપયોગ કરનારા સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ મુજબ કડક કાર્યવાહી કરાશે. જેમાં તેમના વિરૂદ્ધ ગુનો નોંધી માલીક, ભાગીદાર, મેનેજર, સંચાલકની ધરપકડ તેમજ ડીજે-સાઉન્ડ સિસ્ટમ પણ જપ્તે કરવામાં આવશે.
જાહેરનામા મુજબ અનિયંત્રિત ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા લોકોને નશીયત કરવા આ મુજબના પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. સરકારી કચેરીઓ, હોસ્પીટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરનાં ઘેરાવાના વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે. જેથી આ શાંત વિસ્તારની આજુબાજુ માઇક, લાંઉડસ્પીકર, ડીજે સીસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહી.
એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય-કોમી લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો આ સાધનોના માધ્યમથી કરી શકાશે નહી. ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે જાહેરમાર્ગમાં નાચગાન કરી શકાશે નહી. આ બાબતે સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ધી નોઇસ પોલ્યુશન રૂલ્સ, ૨૦૦૦ના એન્વારમેન્ટ પ્રોટેક્શનની જોગવાઇઓનો ભંગ થાય એ રીતે વગાડી શકાશે નહી.
રાત્રિના ૧૦ થી સવારના ૬ વાગ્યા આ સાધનો વગાડી શકાશે નહી તેમજ માઇક સિસ્ટમ માટે માલીકે મામલતદાર કચેરી ખાતે ૭ દિવસ અગાઉથી પરવાનગી લેવાની રહેશે. આ રીતના વરઘોડા, રેલી, સામાજિક, ધાર્મિક, રાજકીય શોભાયાત્રાના સમય દરમ્યાન ઉક્ત શરતોનો ભંગ થાય કે અનિચ્છનીય બનાવ બને તો પરવાનગી લેનારની જવાબદારી રહેશે. મંદિરો, ચર્ચ, મસ્જિદોમાં માઇક સિસ્ટમનો ઉપયોગ નિયમો અનુસાર મર્યાદામાં રાખવાનો રહેશે. આ નિયમોનો ભંગ કરનારના ડીજે સીસ્ટમ કે અન્ય કોઇ પણ સાધનો જપ્ત કરવામાં આવશે.
આ જાહેરનામું ગત તા. ૧ ડિસેમ્બરથી લાગુ કરવામાં આવ્યું છે જે આગામી બે માસ સુધી અમલમાં રહેશે.