સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે વર્લ્ડ રેકોર્ડ ૧૪મું ફ્રેન્ચ ઓપન અને ૨૨મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા બાદ ખુલાસો કર્યો હતો કે, ડાબા પગની ઈજા આખી ટુર્નામેન્ટ દરમિયાન મને સતાવતી રહી હતી.
ડાબા પગની ઈજાના દર્દને દૂર કરવા માટે મારે પેઈનકિલર ઈન્જેક્શન લેવા પડયા હતા. નડાલે કહ્યું કે, મને ડાબા પગમાં સંવેદના જ અનુભવાતી નહતી.
નડાલે કહ્યું કે, પેેઈનકિલર ઈન્જેક્શનથી મારો ડાબો પગ જાણે શાંત થઈ જતો અને હું રમી શકતો હતો. નડાલને પૂછવામાં આવ્યું કે, ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ દરમિયાન તમે કેટલા પેઈનકિલર્સ લીધા ? તો જવાબમાં તેણે કહ્યું કે, તમે એ ના જાણો તો જ સારું. હું હાલમાં જે સંજોગોમાં રમી રહ્યો છું, જોકે આ પરિસ્થિને વધુ આગળ ખેંચી શકું તેમ નથી. હું મારા ડાબા પગની ઈજા જલ્દી સાજી થાય અને સ્થિતિમાં સુધારો આવે તેવા ઉપાયની શોધમાં છું.
નડાલે કહ્યું કે, ફ્રેન્ચ ઓપનની શરૃઆતમાં મારા મનમાં અનિશ્ચિતતા હતી. હું વિચારતો કે આવતા સપ્તાહે હું અહીં રમતો હોઈશ કે નહીં ? આ કારણે બધુ ફોકસ આગામી રાઉન્ડની મેચ પર જ હતુ. યુરોપીયન ક્લે પર એક પણ ટાઈટલ જીત્યા વિના અંહી રમવા ઉતર્યો હતો. આ પ્રકારની નબળી તૈયારી સાથે ફ્રેન્ચ ઓપનમાં રમવું એટલે દરેક દિવસ પડકારજનક જ હોય. તમારે તમારી રમતમાં રોજ સુધારો કરવો પડે.