ભારત અને દ.આફ્રિકા વચ્ચે બીજી ટી-20 મેચ રવિવારે કટકમાં રમાશે. પ્રથમ ટી-20 મેચ જીતી દ.આફ્રિકા 5 મેચની સીરિઝમાં 1-0થી આગળ છે. દિલ્હીમાં યોજાયેલી મેચમાં પંતની કેપ્ટન્સી અને ઝડપી બોલિંગ લયમાં ન જોવા મળી.
એવામાં ભારતે બીજી ટી-20 જીતવા માટે ઝડપી બોલર્સના પ્રદર્શનમાં સુધાર કરવો પડશે. બીજી મેચમાં પ્રથમ મેચની ભૂલો થશે તો સીરિઝમાં આગળ કમબેક કરવું મુશ્કેલ બનશે.
સીરિઝના 1 દિવસ અગાઉ રાહુલ ઈજાગ્રસ્ત થતા પંતને કેપ્ટન્સી મળી હતી. બોલર્સના ખરાબ પ્રદર્શનને કારણે 211 રનનાં સ્કોર બાદ પણ ટીમે હારનો સામનો કરવો પડ્યો. આવેશને બાદ કરતા તમામ બોલર્સે 10થી વધુની ઈકોનોમીથી રન આપ્યા.
પંતને લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના ભાવિ કેપ્ટન મનાતો હતો, તેની કેપ્ટન્સીમાં IPLમાં દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહીં. આ કારણે તેનો દાવો થોડો નબળો પડ્યો છે. હાર્દિકે ટીમને ચેમ્પિયન બનાવી કેપ્ટન્સીથી પ્રભાવિત કર્યો હતો. એવામાં બીજી ટી-20માં જ્યારે ટીમ ઈન્ડિયા મેદાન પર ઉતરશે તો પંત પર અમુક અંશે દબાણ જોવા મળી શકે છે.