વિશ્વની સૌથી મોટી T-20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટેના આગામી 5 વર્ષના એટલે કે, વર્ષ 2023-2027ના સમયગાળા માટે મીડિયા રાઈટ્સ ખરીદવા માટેની હરાજી શરૂ થઈ ગઈ છે. BCCI વર્ષ 2023-2027ના સમયગાળા માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે મીડિયા અધિકારોની ઈ-હરાજી કરી રહ્યું છે.
મુંબઈ ખાતે આયોજિત આ હરાજી 2-3 દિવસથી પણ વધારે સમય સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. IPLની પ્રત્યેક સિઝનમાં 74 ગેમ જોવા મળશે અને છેલ્લી બે સિઝનમાં તેની સંખ્યા વધીને 94 થઈ જાય તેવી શક્યતા છે. ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ માટે IPL મીડિયા રાઈટ્સનું વર્તમાન મૂલ્ય 16,347.50 કરોડ રૂપિયા છે. સ્ટાર ઈન્ડિયાએ સપ્ટેમ્બર 2017માં સોની પિક્ચર્સને હરાવીને આ રાઈટ્સ ખરીદી લીધા હતા.
સ્ટાર અને સોની નેટવર્કની સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની માલિકીની Viacom18 ટીવી અને ડિજિટલ એમ બંને સ્પેસ માટે એક મજબૂત દાવેદાર હોવાનું માનવામાં આવે છે. અગાઉ મીડિયા રાઈટ્સ એક સાથે જ વેચવામાં આવતા હતા જેમાં ટીવીથી શરૂ કરીને ડિજિટલ રાઈટ્સનો પણ સમાવેશ થતો હતો.
ડિજિટલ મીડિયાનો પ્રસાર વધ્યા બાદ BCCIએ એક જ પેકેજના બદલે 4 અલગ-અલગ પેકેજીસમાં રાઈટ્સ વેચવાનો નિર્ણય લીધો છે જેથી બોર્ડને કરોડોનો ફાયદો થશે. કુલ 4 વિશિષ્ટ પેકેજોમાં વર્ષ 2023-2027ના 5વર્ષના સમયગાળા માટે પ્રત્યેક સિઝનમાં 74 રમતો માટેનું ઈ-ઓક્શન શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં અંતિમ બે વર્ષમાં મેચોની સંખ્યા વધારીને 94 કરવાની જોગવાઈ છે.