નિકોલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતી સગીરા પર ટ્યુશન ટીચરના પતિએ દુષ્કર્મ ગુજાર્યુ હતું. બાદમાં જો કોઈને જાણ કરીશ તો હેરાન કરી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. બીજી બાજુ ગુમસુમ રહેલી સગીરાની પરીવારજનોએ પૂછપરછ કરી ત્યારે તેની સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ થતા સગીરાની માતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્યુશન ટીચરના પતિએ વિદ્યાર્થિની પર નજર બગાડી
શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી એક મહિલા એક વર્ષ પહેલા ઘરમાં જ ટ્યૂશન ક્લાસીસ ચલાવતી હતી. જેથી વિદ્યાર્થીઓ તેના ઘરે ભણવા માટે જતા હતા ત્યારે એક રવિવારના સમયે વિદ્યાર્થીઓની પરીક્ષા રાખી હોવાના કારણે મહિલાના પતિએ આ બાળકોની પરીક્ષા લીધી હતી. બાદમાં બધા છોકરાઓને ઘરે મોકલી દીધા હતા. પરંતુ એક નવમાં ધોરણમાં અભ્યાસ કરતી સગીરાને ઘરમાં જ બેસાડી રાખી હતી.
વિદ્યાર્થિની સાથે ઘરમાં દુષ્કર્મ આચર્યું
દરમિયાન અચાનક શિક્ષિકાના પતિએ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું અને જો ઘરે આ ઘટનાની જાણ કરીશ તો હેરાન કરી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી સગીરા ઘરે જઈને આ અંગેની કોઈ જાણ કરી ન હતી. જો કે સગીરા ગુમસુમ રહેતી હોવાના કારણે પરીવારજનોએ પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, સગીરા ટ્યુશન ગઈ ત્યારે ટીચરના પતિએ તેની સાથે જબરદસ્તી કરી દુષ્કર્મ ગુજાર્યુ હતુ.
સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
આ અંગેની જાણ સગીરાની માતાને થતા નિકોલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં આધેડ જગદીશ ઘેલાણીના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા નિકોલ પોલીસે પોક્સો અને રેપ સહીતનો ગુનો દાખલ કરી આધેડ જગદીશ ઘેલાણીની ધરપકડ કરી છે. બીજી બાજુ પોલીસે તે પણ તપાસ હાથ ધરી છે કે, જગદીશે બીજી કોઈ સગીરા સાથે આ હરકત કરી છે કે નઈ તે અંગે વધુ પુછપરછ હાથધરી છે.