Sun. Sep 8th, 2024

અમદાવાદમાં પકડાયું બનાવટી અમૂલ ઘીનું ગોડાઉન,60 ડબ્બા સાથે બે આરોપીઓની કરી ધરપકડ

સરખેજ – સાણંદ સર્કલ નજીકના જગદીશ એસ્ટેટમાંથી બનાવટી અમૂલ ઘીનું ગોડાઉન પકડાયું છે. આરોપીઓ અમૂલ ઘીના ડબ્બામાં બનાવટી ઘી ભરીને અમૂલ ઘીનું લેબલ લગાવીને વેચાણ કરતા હતા. બનાવટી ઘી કડીથી લાવતા હતા અને નકલી અમૂલ ઘી રાજકોટમાં વેચતા હતા. પોલીસે ગોડાઉનમાંથી બનાવટી ઘીના 15 કિલોના 160 ડબ્બા, ગાડી સહિત કુલ રૂ.8.32 લાખનો મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

જગદીશ એસ્ટેટના એક ગોડાઉનમાં બનાવટી અમૂલ ઘી બનાવીને વેચવામાં આવતું હોવાની બાતમી સરખેજ પીઆઈ એસ.જી.દેસાઈને મળી હતી. જેના આધારે તેમણે સ્ટાફ સાથે ગોડાઉનમાં દરોડો પાડયો હતો. દરમિયાન ત્યાંથી 15 કિલોના એક એવા ઘી ભરેલા 160 ડબ્બા, અમૂલના પૂંઠા, અમૂલના માર્કાવાળા સ્ટીકર, ડબ્બા સીલ કરવાનું મશીન તેમજ એક બોલેરો પીકઅપ વાન મળીને કુલ રૂ.8.32 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસે માધુપુરાનાં દેવ વાઘેલા તેમજ રાજકોટનાં અલ્પેશ દવેરા નામના બે આરોપી ઓની ધરપકડ કરી છે. પોલીસ એ બંને આરોપી ઓ સામે ટ્રેડ માર્ક એકટ, કોપી રાઈટ એકટ અને છેતરપિંડી નો ગુનો દાખલ કરી ને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ કડીથી હલકી ગુણવત્તા નું ઘી લાવીને અહી બ્રાન્ડેડ કંપનીનાં ડબ્બામાં પેકિંગ કરીને વેચાણ કરતા હતા. આરોપીઓએ છેલ્લા પાંચેક દિવસથી અહી ગોડાઉન શરૂ કર્યું હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરીને તેમને અત્યાર સુધીમાં કોને કોને અને કઈ જગ્યાએ આ ઘીનું વેચાણ કર્યું છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Related Post

Verified by MonsterInsights