રાજસ્થાનના ડુંગરપુર ખાતેથી પોલીસે ગુજરાત જઈ રહેલી એક કારમાંથી કરોડો રૂપિયા જપ્ત કરી લીધા છે. જિલ્લાની બિછીવાડા થાણા પોલીસે શનિવારે નેશનલ હાઈવે નંબર 8 પર મોટી કાર્યવાહી કરી હતી અને 4.5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. હવાલાની કાળી કમાણી સાથે 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કરોડો રૂપિયા દિલ્હીથી ગુજરાત લાવવામાં આવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને જપ્ત કરવામાં આવેલી રોકડ હવાલાની હોવાનું માનવામાં આવે છે. ડીએસપી મનોજ સવારિયાંના કહેવા પ્રમાણે હાલ રોકડ જપ્ત કરી લેવામાં આવી છે અને આરોપીઓની પુછપરછ ચાલુ છે. પ્રાથમિક વિગતો પ્રમાણે આ કેસ હવાલા સાથે સંકળાયેલો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. જો કે, પોલીસ હજુ ઘટના સ્થળે કાર્યવાહી કરી રહી છે અને આરોપીઓને ધરપકડ બાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે.
બેંકોથી મંગાવવા પડ્યા મશીન
પોલીસ સ્ટેશનમાં આટલી રોકડ ગણવા માટે મશીન નહોતા માટે બેંકમાંથી મંગાવવા પડ્યા હતા. આટલી બધી રોકડ ગણવામાં સવારથી સાંજ થઈ ગઈ હતી. જપ્ત કરવામાં આવેલી રોકડની ગણતરી થઈ ગઈ છે અને પોલીસ આરોપીઓની પુછપરછ કરી રહી છે.