Sun. Sep 8th, 2024

RBIના નવા નિયમ : ઓનલાઇન વિક્રેતાઓ હવે ક્રેડિટ કાર્ડની વિગતો રાખી શકશે નહીં

ઓનલાઇન ખરીદીના શોખીનો માટે, ઇ-કૉમર્સ સાઇટ્સ પર સિંગલ ક્લિકથી ખરીદી હવે ભૂતકાળ બની જશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ની સપ્ટેમ્બર 2021થી લાગુ થનાર માર્ગદર્શિકા અનુસાર ઈ-કોમર્સના વેપારીઓ ક્રેડિટ કે ડેબિટ કાર્ડના ડેટાને સ્ટોર નહીં કરી શકે. આરબીઆઈના આવા કઠોર વલણનું કારણ રેન્સમવેર તરીકે જાણીતા કોમ્પ્યુટર વાયરસના હુમલાઓમાં આવેલો ઊથલો છે. આ એવા વાયરસ છે જે કોમ્પ્યુટર નેટવર્કમાં ઘુસીને ડેટા હાઇજેક કરવા સક્ષમ હોય છે. પેમેન્ટ ગેટવે અને ઇકોમર્સ પર ટ્રાન્ઝેક્શન કરતી વખતે હવે દર વખતે, 16 આંકડાનો નંબર હાથથી નાખવો પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આરબીઆઈની નવી માર્ગદર્શિકા પ્રમાણે ગમે તેટલી સુરક્ષિત સિસ્ટમ્સનો દાવો હોય તો પણ કોઈ ઑનલાઇન વેપારીને ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની માહિતીને સ્ટોર કરવાની મંજૂરી અપાશે નહીં. ઑનલાઇન વ્યવસાયો, સપ્ટેમ્બર 2021થી અમલમાં આવનાર, રીકરીંગ ચુકવણીઓના બદલાયેલા નિયમો પર આરબીઆઇએ નક્કી કરેલ મુદત પહેલા કામ પૂરું કરવા મહેનત કરી રહી છે. આ દિશાનિર્દેશો અનુસાર ગ્રાહકોએ બેન્કોને દર મહિને કરાનારી માસિક ચૂકવણીઓ માટે બેન્કોને નવા નિર્દેશ આપવા પડશે અને ઓનલાઇન કંપનીઓ પોતાની મેળે રકમ ડેબિટ નહીં કરી શકે.

આરબીઆઈના જણાવ્યા મુજબ, આ સમસ્યાનો ઉકેલ ટોકનપ્રથામાં હોઈ શકે જેમાં ઈ-કૉમર્સ સાઇટ્સને કાર્ડ નેટવર્ક સાથે જોડવાની જરૂર પડશે. કાર્ડ નેટવર્ક એ કોમર્સ કંપનીને દરેક કાર્ડ નંબરથી જોડાયેલા ‘ટોકન્સ’ આપશે જેનો ઉપયોગ અન્ય કોઈ દ્વારા થઈ શકશે નહીં. એક બેન્કરના જણાવ્યા અનુસાર, જ્યારે આ નવી રીત શરૂઆતમાં ભલે અઘરી લાગે, પરંતુ લાંબા ગાળે તે લાભ જ કરશે. “જ્યારે આરબીઆઇએ ઓનલાઈન બેંકિંગ માટે દ્વિ-સ્તરીય ચકાસણીની ફરજ પાડી ત્યારે સમગ્ર બેંકિંગ ઉદ્યોગ વિરોધમાં હતો. હવે પાંચ વર્ષ બાદ, છેતરપિંડીઓમાં ઘણો ઘટાડો નોંધાયા પછી, સૌ એની પ્રશંસા કરતાં થાક્તા નથી.

વેપારીઓને કાર્ડની માહિતીને સ્ટોર કરવામાં રસ એટલા માટે હોય છે કે તેનાથી એક ટ્રાન્ઝેક્શનની અંદર લેવાતો સમય ઓછો થાય છે અને આમ ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતાઓની સંખ્યા ઘટાડે છે. આરબીઆઇનો આદેશ  યુપીઆઇને પણ લાગુ પડે છે. જો કે, બેન્કરો કહે છે કે યુપીઆઈ પહેલેથી જ એક ‘ટોકન’ છે કારણ કે કાર્ડ અને ગ્રાહકની વિગતો ઇ-મેઇલ સમાન એક આઈડી સાથે જોડાયેલી છે.

Related Post

Verified by MonsterInsights