મહારાષ્ટ્રના બુલઢાણા વિસ્તારમાં લૂંટ અને હત્યાની ઘટના ઘટી, જે CCTVમાં કેદ થઈ ગઈ છે. ચિખલીમાં 55 વર્ષના ઈલેક્ટ્રોનિકસનો વેપાર કરતા બિઝનેસમેનની તલવારના ઘા મારી એટલા માટે હત્યા કરી, કેમ કે તેમણે તસ્કરોને કેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો. વીડિયો ફૂટેજના આધારે પોલીસ હવે આરોપીઓની શોધખોળ કરી રહી છે.
બુલઢાણા પોલીસના જણાવ્યા મુજબ, મૃતક દુકાનદારની ઓળખ આનંદ ઈલેક્ટ્રોનિકસના માલિક કમલેશ પોપટ તરીકે થઈ છે. ઘટના મંગળવારે રાત્રે 10 વાગ્યા ઘટી જ્યારે કમલેશ દુકાન બંધ કરીને ઘરે જવા નીકળી રહ્યા હતા. કમલેશ પર હુમલો કરનારા બંને લૂંટેરાઓએ માસ્ક પહેરી રાખ્યાં હતાં.
CCTV ફૂટેજમાં એક આરોપી ડેસ્કની પાછળ બેઠેલા માલિકની પાસે જતો જોવા મળે છે. એ બાદ ઝડપથી એક હથિયાર કાઢે છે, જે બંદૂક જેવું દેખાય છે અને એનાથી માલિક તરફ ઈશારો કરે છે. જ્યારે બીજો આરોપી પાછળથી તલવાર કાઢે છે.
શરૂઆતમાં કમલેશ હુમલાખોર સામે લડવાનો પ્રયાસ કરે છે. એ બાદ એક આરોપી તેમના પર તલવારના અનેક ઘા મારે છે. વીડિયો ફૂટેજના આધારે પોલીસને શંકા છે કે આરોપી કેશની ડિમાન્ડ કરતા હશે.
હુમલા પછી આરોપી દુકાનમાંથી ચોરીના પૈસા અને અન્ય કીમતી સામાન પોતાની બાઈક પર લઈને ભાગી ગયા. દુકાનદાર ગંભીર હાલતમાં દુકાનની અંદર લોહીથી લથપથ મોડે સુધી પડ્યા રહ્યા. ડોકટર્સની વાત માનવામાં આવે તો તેમનું મોત હુમલાના થોડા સમય બાદ જ થઈ ગયું હશે. આનંદના મોતના થોડા સમય પછી બાજુની દુકાનવાળાને આ લૂંટની જાણકારી મળી અને તેમણે ફોન કરીને પોલીસને આ અંગેની માહિતી આપી હતી.