ઉત્તર પ્રદેશના દેવરિયા જનપદના લાર પોલીસ સ્ટેશનના હરખોલી ગામના રહેવાસી ગોરખ યાદવના અપહરણ થયેલા પુત્ર સંસ્કાર યાદવ (ઉંમર 6 વર્ષ)નું શબ પોલીસે ગુરુવારે સવારે શિક્ષકના મકાનમાં સ્થિત શૌચાલયમાંથી જપ્ત કર્યું. ગામના જ કોચિંગ ભણાવનાર શિક્ષકના પૌત્રએ પોલીસને ઘટનાના કારણો બાબતે જણાવ્યું તો ઉચ્ચ અધિકારી પણ થોડીવાર માટે વિચારમાં પડી ગયા. પોલીસ કસ્ટડીમાં આરોપીએ જણાવ્યું કે, PUBG રમવાને લઈને દાદા અને દાદી હંમેશાં બોલતા રહેતા હતા. તેનાથી પરેશાન થઈને બંનેને ફસાવવા માટે સંસ્કારને મારી નાખ્યો, જેથી જેલના સળિયા પાછળ મોકલી શકું.
હત્યા કરવા અગાઉ ગામની દુકાનથી ફેવિક્વિક ખરીદી લાવ્યો અને ત્યારબાદ સંસ્કારનું મોઢું ચોંટાડી દીધું, જેથી અવાજ ન કરી શકે. હરખોલી ગામનો રહેવાસી સંસ્કાર યાદવ ત્રણ બહેનોમાં એકમાત્ર ભાઈ હતો. ગામના જ નરસિંહ શર્માના ઘરે રોજ કોચિંગ માટે જતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, બપોરે કોચિંગ માટે ગયો હતો, પરંતુ ઘરે પાછો આવ્યો જ નહીં, જેથી પરિવારજનો ગભરાઈ ગયા અને તેની શોધખોળ શરૂ કરી દીધી, પરંતુ તેની જાણકારી ન મળી. જ્યારે પિતા કોચિંગ સેન્ટર ગયો તો જાણકારી મળી કે સંસ્કાર બુધવારે અભ્યાસ કરવા આવ્યો નહોતો.
ત્યારબાદ પરિવારજનો તેની શોધખોળ કરવા લાગ્યા. મોડી સાંજે જ ખેતરમાં એક પત્ર મળ્યો. જેના પર એમ લખ્યું હતું કે, બાળકના પિતા ગોરખ યાદવ 5 લાખ રૂપિયાની વ્યવસ્થા ન કરી તો તમારા છોકરાને છોડવામાં નહીં આવે. આ પત્ર મળતા જ પરિવાર સહિત આખા ગામમાં અફરાતફરી મચી ગઈ. ઘટનાની જાણકારી પરિવારજનોએ પોલીસને આપી. SP સંકલ્પ શર્મા રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસ ટીમ વિદ્યાર્થીની શોધવામાં લાગી ગઈ અને કોચિંગ કરાવનાર શિક્ષકના પૌત્રને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો ગુરુવારે તેણે હકીકત જણાવી દીધી.
તેણે જણાવ્યું કે, ગાયબ વિદ્યાર્થીનું શબ શિક્ષકના ઘરના દરવાજા પર સ્થિત શૌચાલયમાં છે. પોલીસે ઘટનાના કારણો બાબતે જાણકારી લીધી તો ચોંકાવનારી વાત સામે આવી. આરોપી અરુણ શર્મા (ઉંમર 18 વર્ષ) PUBG રમવાની લત ધરાવતો હતો. તેના માટે દાદા, દાદી પાસે મોટા ભાગે પૈસા માગતો હતો. તેના પર દાદા અને દાદી મોટા ભાગે તેને સંભળાવતા રહેતા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ, થોડા દિવસ અગાઉ આરોપી આત્મહત્યા કરવા માટે રેલવે ટ્રેક પાસે પહોંચી ગયો હતો, પરંતુ લોકોએ તેને સમજાવીને પાછો વાળ્યો.
આ દરમિયાન થોડા સમય સુધી વાત કર્યા બાદ દુકાનથી ફેવિક્વિક ખરીદીને તેના મોઢામાં નાખી દીધું, જેના કારણે સંસ્કાર અવાજ ન કરી શક્યો. ત્યારબાદ શૌચાલયમાં લઈ જઈને ગળું દબાવીને હત્યા કરી દીધી. પોલીસે આ કેસમાં આરોપી સહિત કેટલાક અન્યને પણ કસ્ટડીમાં લીધા છે, જ્યારે ગામમાં તણાવને જોતા PCA તૈનાત કરી દેવામાં આવી છે. SP સંકલ્પ શર્માએ કહ્યું કે, ઘટનાનો ખુલાસો કરી દીધો છે. જે શિક્ષકના ઘરે વિદ્યાર્થી ભણતો હતો, તેના પૌત્રએ હત્યા કરી દીધી છે. ત્યારબાદ શબને શૌચાલયમાં છુપાવી દીધુ. આ બાબતે કેસ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.