Mon. Dec 23rd, 2024

BCCI / ઘરેલુ ક્રિકેટના આયોજનને લઈ ક્રિકેટ બોર્ડનો કાર્યક્રમ જાહેર, રણજી ટ્રોફીનું ત્રણ માસનું આયોજન

કોરોના વાયરસ ને લઈને વિશ્વભરના રમતના આયોજનો પર વિપરીત અસર પડી છે. જેમાં ક્રિકેટે પણ વર્ષ 2020 અને 2021 દરમ્યાન તેની ગંભીર અસર ભોગવી છે. BCCIએ ઘરેલુ ક્રિકેટની શરુઆત સિનિયર મહિલા વન ડે લીગ સાથે કરવાનું આયોજન ઘડ્યુ છે. જેની શરુઆત 21 સપ્ટેમ્બરથી થશે. ત્યારબાદ સિનિયર મહિલા વન ડે ચેલેન્જર્સ ટ્રોફી શરુ થશે. જે 27 ઓક્ટોબરથી રમાનાર છે. રણજી ટ્રોફી ની ગત સિઝન કોરોનાકાળને લઈને રદ કરવામાં આવી હતી. પરંતુ આ વખતે ઘરેલુ ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે અપેક્ષા મુજબ આયોજન જાહેર કરાયુ છે. રણજી ટ્રોફી ત્રણ મહિનાની વિન્ડોમાં રમાનાર છે. જેની શરુઆત 16 નવેમ્બરથી થશે અને 19 ફેબ્રુઆરી 2022 સુધી રમાનાર છે.

ઘરેલુ ક્રિકેટ પણ પ્રભાવિત થતા, ઉભરતા ખેલાડીઓને પણ કરિયરને લઈ ચિંતા સતાવવા લાગી હતી. આ દરમ્યાન હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) વર્ષ 2021-22ની ઘરેલુ સિઝનના કાર્યક્રમોની ઘોષણાં કરી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ની શરુઆત 20 ઓક્ટોબર 2021થી થનાર છે. જેની ફાઈનલ મેચ 12 નવેમ્બરે રમાશે. ઉપરાંત વિજય હજારે ટ્રોફી 23 ફેબ્રુઆરી 2022થી 26 માર્ચ 2022 સુધી રમાનાર છે. વર્ષ 2021-22ની ઘરેલુ સિઝન દરમ્યાન મહિલા અને પુરુષ વર્ગની કુલ 2,127 ઘરેલુ મેચ રમાનાર છે.

IPL 2021ના બાયોબબલમાં કોરોના સંક્રમણ બાદ તેને અધવચ્ચે સ્થગીત કરવામાં આવી હતી. IPLની બાકી રહેલ 31 મેચ યુએઈ શિફ્ટ કરાઈ છે. જ્યારે T20 વિશ્વકપ ને પણ UAE અને ઓમાન ખસેડવાની બીસીસીઆઈને કોરોનાને લઈ ફરજ પડી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગત વર્ષે રણજી ટ્રોફીના આયોજનને પડતુ મુકવા મજબૂર થવુ પડ્યુ હતુ. પરંતુ ચાલુ સાલે ક્રિકેટરોને માટે આકર્ષણ ધરાવતી રણજી ટ્રોફીનું આયોજન કરવાની જાહેરાત કરાઈ છે.

ગત વર્ષે વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ. જે બંને ટૂર્નામેન્ટ કોરોના વાયરસથી ખેલાડીઓની સુરક્ષિત રાખવા બાયોબબલ હેઠળ આયોજીત થઈ હતી.આમ IPL સ્થગીત થવા બાદ ભારતમાં ઘરેલુ ક્રિકેટની શરુઆત સાથે ક્રિકેટ સુરક્ષિત પરત ફરવાની આશા બંધાઈ છે.

 

Related Post

Verified by MonsterInsights