અમદાવાદમાં યુવતીને તેના ભાઈના મિત્રની સોશિયલ મીડિયામાં રિક્વેસ્ટ સ્વીકારવી મુસીબત બની ગઈ છે. યુવતીને ઓફિસ સુધી મળવા માટે જતો આ રોમિયોએ યુવતી તેના મિત્રો સાથે પીઝા ખાવા માટે નહીં જવાની ધમકી આપી હતી. તેણે યુવતીને કહ્યું હતું કે, જો તું તારા મિત્રોની સાથે જઈશ તો તારા પર એસિડ ફેંકી દઈશ. આ અંગે યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારો પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
યુવતી તેના ભાઈના મિત્રના વર્તનથી ત્રાસી ગઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં એક યુવતી તેના ભાઈના મિત્રના વર્તનથી ત્રાસી ગઈ હતી. તેણે સોશિયલ મીડિયામાં તેના ભાઈના મિત્રની રિક્વેસ્ટ સ્વીકારવી મુસીબત સાબિત થઈ છે. આ યુવતી જ્યારે ઓફિસ જવા માટે જાય તો હેરાન કરનારો યુવક તેની ઓફિસની બસમાં ચડી જતો અને બસમાં જ યુવતી સાથે ઝગડો કરીને તેની ઓફિસ સુધી પીછો કરતો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી નિશા ( નામ બદલ્યું છે) અને તેનો ભાઈ બંને નોકરી કરીને ઘરમાં મદદ કરે છે. તેના ભાઇનો મિત્ર રાજીવ (નામ બદલાયું છે) રોજ એના ભાઈને મળવાના બહાને ઘર નીચે આવતો હતો. આ સિલસિલો ઘણા સમયથી હતો. જેથી નિશાને આ બાબતે કોઈ શંકા ન હતી.
યુવક રોજ યુવતીના ભાઈને મળવા આવતો હતો
ભાઈ નો મિત્ર રોજ ઘર નીચે આવતો હોવાથી તે તેને ઓળખતી હતી. એક દિવસ નિશાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ભાઈના મિત્રની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. ભાઈનો મિત્ર હોવાથી નિશાએ તે રિક્વેસ્ટ સ્વીકારી લીધી અને ધીમે ધીમે નિશા અને રાહુલ બંને સોશિયલ મીડિયામાં વાતો કરતા હતા. આ દરમિયાન રાહુલે નિશાનો નંબર મેળવી લીધો હતો પરંતુ રાહુલના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું.
યુવતીને એક કંપનીમાં સારા લેવલ પર નોકરી મળી હતી
નિશાને તાજેતરમાં શહેરના પોશ વિસ્તારમાં એક કંપનીમાં સારા લેવલ પર નોકરી મળી હતી તે રોજ બસમાં ઓફિસે જતી હતી. નિશા જેવી બસમાં ચડે કે તરત જ રાહુલ પણ બસમાં ચડી જતો હતો. તે બસમાં જ નિશાને જોરજોરથી ધમકાવી ચાલુ બસમાં ઝઘડો કરતો હતો. નિશા ઓફિસ પહોંચે ત્યારે રાહુલ પણ તેની ઓફિસની બહાર બેસી રહેતો હતો. તે સિક્યુરિટી ગાર્ડ સાથે નિશાની અવર જવર વિશે વાતો કરતો હતો.
યુવતીએ તેના ભાઈને હકિકતની જાણ કરી
એક સમયે નિશા ઓફિસમાં હતી ત્યારે રાહુલ ત્યાં આવી ગયો ત્યારે પણ નિશાએ રાહુલને પીછો નહીં કરવા જણાવ્યું હતું. તે પીછો કરશે તો ભાઈને કહી દેશે એવું પણ નિશાએ કહ્યું હતું. આ સમયે નિશાના સ્ટાફની અન્ય મહિલા કર્મચારીઓ પીઝા ખાવા માટે જતી હતી. જેથી રાહુલે તેને ધમકી આપી કે જો તું આમની સાથે જઈશ તો તારી ઉપર એસિડ નાખી દઈશ જેથી નિશા ગભરાઈ ગઈ અને રાહુલ જોરજોરથી બોલવા લાગ્યો કે નિશા મારી સાથે લગ્ન કર નહીં તો હું તારી પર એસિડ નાખીને તને બાળી નાખીશ. આ બનાવ બાદ નિશાએ સમગ્ર વાતની જાણ તેના ભાઈને કરી હતી. બાદમાં નિશાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.