Fri. Dec 27th, 2024

અમદાવાદમાં માથા વિનાની લાશ ફેંકનારની મળી જાણકારી, સીસીટીવી ફુટેજ આવ્યા સામે

અમદાવાદ શહેરમાં એક યુવકના માનવ અવશેષ મળવાના મામલે પોલીસે આંબાવાડીના મકાનના સીસીટીવી કબ્જે કર્યા હતા. આ સીસીટીવી ફુટેજમાં એક વૃદ્ધ ફરાર થતાં જોવા મળ્યા હતા. ત્યાં જ આ વૃદ્ધનો પુત્ર પણ ભેદી રીતે ગુમ હોવાની માહિતી સામે આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પિતાએ જ પોતે પોતાના પુત્રની હત્યા કરી હોવાની આશંકા છે. સીસીટીવી ફુટેજમાં દેખાતા વૃદ્ધ રિટાયર્ડ અધિકારી છે અને આરોપીના ઘરમાંથી પોલીસને લોહીના ડાઘ પણ મળ્યા હતા. જેથી હત્યાની શંકા વધુ પ્રબળ બની રહી છે. બે દિવસ પહેલાં વાસણામાં કચરાના ઢગલામાંથી એક યુવકનું ધડ મળ્યું હતું. હજુ આ તપાસ ચાલી રહી હતી ત્યાં બીજા દિવસે શુક્રવારે એક પોલિથીનની બેગમાંથી યુવકના કપાયેલી હાલતમાં બે પગ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે સીસીટીવી તપાસ કરતા એક એક્ટિવાચાલક દેખાયો હતો જે આ બેગ ફેંકતો નજરે ચડયો હતો. પોલીસે એક્ટિવાના નંબરના આધારે સરનામું રાયપુરની સાંકડી શેરી પાસેનું જાણવા મળ્યું હતું.

નોંધનીય છે કે, પોલીસ એક્ટિવાના માલિકના ત્યાં પહોંચી તો તેમણે જણાવ્યું કે, એક્ટિવા વેચી દેવામાં આવ્યું છે, અને તેઓ આંબાવાડી ખાતે રહે છે. આથી પોલીસ જે વ્યક્તિને એક્ટિવા વેચ્યું હતું તેના ઘરે પહોંચી, જોકે ઘરની બહાર તાળું હોવાથી પોલીસે તાળું તોડી અંદર પ્રવેશ કર્યો. ત્યારે ઘરમાંથી લોહીના ડાઘા તેમજ હથિયારો પણ જોવા મળ્યાં હતા. આસપાસમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, આંબાવાડી સ્થિત આ મકાનમાં એક 25 વર્ષનો પુત્ર તેના પિતા સાથે રહેતો હતો. પુત્ર છેલ્લા ઘણા દિવસથી જોવા મળ્યો નથી. ત્યાં જ હાલમાં પિતા ફરાર હોવાનું સામે આવ્યું છે અને પોલીસે પણ આરોપીને પકડી પાડવા માટે ચાર ટીમો બનાવી તેની શોધખોળ હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights