અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ મ્યુકોરમાઇકોસીસ એટલે કે બ્લેક ફંગસ હાહાકાર મચાવી રહ્યો છે તેવામાં હવે વ્હાઇટ ફંગસનું જોખમ પણ સામે આવ્યું છે. અમદાવાદ સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં વ્હાઇટ ફંગસના ત્રણ કેસ સામે આવ્યા હવે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. વધી રહેલા મ્યુકોરમાઇકોસીસના કેસ ને પગલે રાજ્ય સરકારએ આ બીમારીને મહામારી જાહેર કરી છે તેવામાં હવે વ્હાઇટ ફંગસના કેસ સામે આવતા તંત્રની ચિંતા વધી છે.
અમદાવાદમાં પ્રથમવાર વ્હાઇટ ફંગસનો કેસ સામે આવ્યો છે. અમદાવાદની સોલા સિવિલમા વ્હાઇટ ફંગસના 3 કેસ પાછલા એક સપ્તાહમાં નોંધાયા છે. નિષ્ણાત તબીબોના મતે વ્હાઇટ અને બ્લેક ફંગસની સારવારમા વપરાતા ઇન્જેક્શનની અલગ અલગ સાઇડ ઇફેક્ટ જોવા મળતી હોય છે. અને આ વ્હાઇટ ફંગસ શરિરના અલગ અલગ અવયવને પણ નુકશાન કરે છે.
સોલા સિવિલ હોસ્પિટલના ઇ એન્ડ ટી વિભાગના વડા ડો. નીના જણાવે છે કે બ્લેક ફંગસ ઉપરાંત એસપજીલોસીસ અને કેન્ડીડા પ્રકારની પણ ફંગસ હોય છે. કેન્ડીડા ફંગસ સારા સાજા માણસમાં પણ ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળતી હોય છે. પણ હાલ જે કેસ જોવા મળ્યા છે તેમા એસપજીલોસીસ અને કેન્ડીડાના કેસ પણ જોવા મળ્યા છે. દરેક ફંગસના રોગ જોખમી જ હોય છે. પરંતુ તેની અસર કેટલી છે તેનાથી તેનું જોખમ નક્કી થાય છે.