ઝાલોદ – જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર – ગુજરાતમાં સૌથી વધુ 179 નકલી રેમડેસિવિર ઝાલોદમાં જયદેવસિંહ ઝાલાએ વેચ્યા હોવાની કબુલાત કરી છે. હવે પોલીસતંત્ર દ્વારા આગળની તપાસ કરીશું
દેશમાં કોરોના કાળમાં નકલી રેમડેસિવિરનો વેપલો ફાટ્યો છે. ત્યારે ગુજરાતના સુરતમાં પકડાયેલા આરોપીએ દાહોદ જિલ્લાના ઝાલોદમાં સૌથી વધુ નકલી રેમડેસિવિરનું વેચાણ કર્યુ હોવાની કબુલાત કરી લીધી છે. આ કાંડનું પર્દાફાસ થતા સમસ્ત દાહોદ જિલ્લા તથા તબીબી આલમમાં ખળભળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં જ હવે સુરત તેમજ સ્થાનિક પોલીસની સંયુક્ત તપાસ ઝાલોદમાં થશે. ત્યારે કોના પગ નીચે રેલો આવશે તેના પર મીટ મંડાયેલી છે.
સમસ્ત ગુજરાતમાં સૌથી મહત્તમ 179 નકલી રેમડેસિવિરનું વેચાણ ઝાલોદમાં કર્યાનું કબુલાત થઈ છે.
ગુજરાતમાં કોરોનાએ માઝા મુકી ત્યારે કેટલાક લોકોએ માનવતાના દુશ્મનોએ આ મહામારીને રોકડી કરવાની તક માની લઇને પોતાના ખિસ્સા ભરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. તેમાં ઘણાં વ્હાઇટ કોલર કહેવાતાઓનો પણ સમાવેશ થાય તો નવાઈની વાત નથી. કોરોના કાળમાં જેમ દવાખાનાઓમાં બેડની અછત હોવાથી દર્દીઓને જગ્યા ન મળતી હતી. તેમજ ઘણે ઠેકાણે ઓક્સિજનની પણ અછત વર્તાતી હતી. આ ઉપરાંત સૌથી વધુ હાલાકી તો રેમડેસિવિર ઇન્જેક્શનને લીધે સર્જાઇ હતી. કારણ કે આખા ગુજરાત રાજ્યમાં આ પ્રકારના રેમડેસિવિર ઇન્જેક્શનની મોટી તંગી થઈ હતી. ગોરખધંધા કરનારાઓએ આવી પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી નકલી રેમડેસિવિરનો કાળો કારોબાર શરુ કરી દીધો છે. આ ગોરખ ધંધામાં જયદેવસિંહ ઝાલા નામના એક આરોપીને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. આ શખ્શે 500 થી વધુ નકલી રેમડેસિવિર રાજ્યમાં વિવિધ શહેરોમાં મોંઘા ભાવે વેચાણ કર્યાનો ખુલાસો થયો છે. તેણે કરેલી કબુલાત પ્રમાણે દાહોદ જિલ્લાના ઝાલોદમાં સૌથી વધુ 179 નકલી રેમડેસિવિરનું વેચાણ કર્યાનું કબુલાત કરી છે.
સુરત પોલીસ દાહોદ જિલ્લામાં આવશે ત્યારે જ સંયુક્ત રીતે તપાસ શરુ થશે.
ઝાલોદમાં ઝાલા જયદેવસિંહનો નકલી રેમડેસિવર ઈન્જેક્સન વેચનાર સાથીદાર કોણ છે તેની તપાસ શરુ કરવામાં આવશે. ઝાલોદમાં પણ સ્વાભાવિક રીતે લોકોમાં જુદી જુદી અટકળોએ વેગ પકડ્યો છે. ત્યારે ઝાલોદના લોકો જાણાવા માંગે છે કે ઝાલોદથી માંડીને આ જાળ જિલ્લામાં ક્યાં સુધી પથરાયેલી છે તે શોધવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે જિલ્લામાં કોરોનાના બીજો વેવમાં રેમડેસિવિરની તીવ્ર અછત હતી. ત્યારે આવા કોરોના મહામારી સંકટમાં કોઇ પણ મજબુરીનું માર્યુ પણ આવા મેડીકલ માફિયાઓની સકંજામાં ફસાયો હશે જ. જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસરે આ મામલે જણાવ્યુ છે કે સુરત પોલીસ દ્વારા કોઇ જાણકારી મળે એટલે કામગીરી શરુ કરાશે. અથવા તો સુરત પોલીસ જિલ્લામાં આવશે ત્યારે જ સંયુક્ત રીતે તપાસ શરુ કરવામાં આવશે. પરંતુ હજી સુધી કોઇ નિર્દેશ ન મળ્યા હોવાનું પણ તેમણે જણાવ્યુ છે. જેથી આવા મેડીકલ માફિયાઓને રફુચક્કરની તક મળશે તેવું ઝાલોદ નગરના નાગરિકોમાં ચર્ચા થઈ રહી છે. નગરના લોકો આ કોભાંડનું વહેલી તકે પર્દાફાશ થાય તેની રાહ જોઈ રહ્યા છે.
એક તરફ ઝાલોદ શહેરના લોકો મારુ ઝાલોદ કોરોના મુક્ત બને તે માટે સેવાઓ કરી રહ્યા છે. તો બીજી બાજુ મેડીકલ માફીયાઓ લોકોના આર્થિક રીતે લુંટી રહ્યા હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે.