રાજ્યમાં કોરોના આતંક મચાવી રહ્યું છે. ત્યારે સતત મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. તેવામાં અનેક પરિવાર એવા છે જેને કોરોનાએ સંપૂર્ણ સકંજામાં લીધા છે. તેવામાં અનેક પરિવાર એવા છે જે હિમ્મતથી કોરોનાનો સામનો કરી રહ્યા છે. સુરતમાં એક એવો પરિવાર છે. જે પોતાની પુત્રીને એના જ પતિનાં મોતની ખબર આપી શકતું નથી. ત્યારે પરિવાર જણાવે છે કે, ઘણું દુઃખ થાય છે જ્યારે આવી મહામારીનો જાત અનુભવ થાય છે. હિંમત તૂટી જાય છે.
દોઢ વર્ષથી સતત કોરોનાના દર્દીઓ વચ્ચે રહી જન્મભૂમિ અને કર્મભૂમિનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કર્યો, પણ જ્યારે એક ફોન આવ્યો ત્યારે ચોક્કસ હૃદય ધ્રુજી ગયું હતું. ભાઈ બનેવીનું મૃત્યુ થયું છે ને દાખલ બહેનને કહી શકાય એવી પરિસ્થિતિ નથી. આવું તો ક્યારેય ન વિચાર્યું હતું કે સારવારમાં ભલે પરિવારથી વિખુટા પાડી દેતી મહામારી મૃત્યુ બાદ પણ પરિવારને જુઠ્ઠુ બોલવા મજબૂર બનાવશે. જબરી કપરી પરિસ્થિતિમાં દિવસ પસાર કરી રહ્યું છે આજે આ પરિવાર.
આસુઓના સમુદ્રના પુરના પાણી આપણા ઘરમાં આવી ગયા ભાઈ, આજ-કાલમાં બહેનને રજા અપાશે ત્યારે તેને શું કહીશું. જ્યારે બનેવી વિશે પૂછશે, બધા જ આંખમાં આંસુ લઈને શોકમાં છે. સૂઝબૂઝ ગુમાવી બેઠાં છે. નાનું પરિવાર સુખી પરિવારનો માળો વિખેરાય ગયો ભાઈ, બનેવીના મૃત્યુના આઘાતમાં બહેનને કંઈ થઈ ન જાય એટલે 48 કલાકથી પરિવાર બહાનાબાજી કરી રહ્યું છે.
બહેનને રજા મળે એટલે તરત ડોક્ટરે 14 દિવસ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે એમ કહી ભાણીના સાસરે લઈ જવાની હિંમત કરી રહ્યા છે. પણ બહેન વારંવાર એક જ વાત કરે છે તારા બનેવીને કેવું છે, વાત તો કરાવો, હું ફોન પર તારી સાથે વાત કરી શકું તો એમની સાથે કેમ નહીં એ વાતનો કોઈ જવાબ નથી અમારી પાસે. ત્યારે એમ કહી દઇએ છીએ કે બનેવી વેન્ટિલેટર પર છે એટલે વાત ન કરી શકે, આવું કહ્યા બાદ કેમ આંખને રડતા રોકીએ છીએ એ તો બસ અમારું મન જ જાણે છે.