Fri. Oct 4th, 2024

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇ-વે પર ST બસમાં લાગી ભીષણ આગ, બસ બળીને ખાખ

વડોદરા નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર આજોડ ગામ પાસે વડોદરાથી અમદાવાદ મુસાફરોને લઈને જતી ST બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદભાગ્યે આ દુર્ઘટનામાં ડ્રાઇવર સહિત 29 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે આગમાં ST બસ બળીને ખાખ થઇ ગઇ હતી.

ડ્રાઇવરે સમય સૂચકતા પગલે મુસાફરોનો જીવ બચી ગયો
વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતેથી 29 જેટલા મુસાફરોને લઇને એક ST બસ અમદાવાદ ગીતામંદિર તરફ જઈ રહી હતી. દરમિયાન, એક્સપ્રેસ હાઇવે ઉપર આજોડ ગામ પાસે ST બસના પાછળના ટાયરમાં એકાએક આગ ફાટી નીકળતા ST બસના ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બસને રોડની બાજુમાં ઊભી કરી દીધી હતી અને તમામ મુસાફરોને બસમાંથી ઉતરી જવા માટે જણાવ્યું હતું. ST બસમાં લાગેલી આગ વધુ પ્રસરે તે પહેલા તમામ 29 મુસાફરો ઉતરી ગયા હતા અને બસથી દૂર સલામત સ્થળે જતા રહ્યા હતા. બસમાં ભભૂકી ઉઠેલી આગ જોઇ મુસાફરો પણ સ્તબ્ધ થઇ ગયા હતા અને આ દુર્ઘટનામાં બચી જતાં ભગવાનનો આભાર માન્યો હતો.

ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને 29 મુસાફરોને નીચે ઉતારી દેતા તમામ મુસાફરોનો જીવ બચી ગયો
ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને 29 મુસાફરોને નીચે ઉતારી દેતા તમામ મુસાફરોનો જીવ બચી ગયો

વિકરાળ આગના કારણે ST બસ બળીને ખાખ થઈ ગઈ
છાણી ટી.પી.-13 ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર કિરણ બારીયાએ જણાવ્યું હતું કે, એક્સપ્રેસ હાઇવે ઉપર આજોડ ગામ પાસે મુસાફરો ભરેલી ST બસમાં લાગેલી આગના બનાવની જાણ થતાં અમે લાશ્કરો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને સળગતી બસ ઉપર પાણી મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ વિકરાળ આગના કારણે ST બસ બળીને ખાખ થઈ ગઈ હતી, પરંતુ, ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે એસટી બસમાં સવાર તમામ 29 મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

ST બસમાં અચાનક જ આગ ફાટી નીકળતા તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા
ST બસમાં અચાનક જ આગ ફાટી નીકળતા તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા

બસના લાઈનર અને ટાયરમાં ઘર્ષણ થવાના કારણે આગ લાગી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં અને બસ ડ્રાઇવરના જણાવ્યા પ્રમાણે ST બસના લાઈનર અને ટાયરમાં ઘર્ષણ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. બસમાં સવાર તમામ મુસાફરોને અન્ય બસમાં બેસાડીને અમદાવાદ રવાના કરી દેવામાં આવ્યા હતા.

ફાયરબ્રિગેડે સળગતી બસ ઉપર પાણી મારો ચલાવી આગને કાબૂમાં લીધી
ફાયરબ્રિગેડે સળગતી બસ ઉપર પાણી મારો ચલાવી આગને કાબૂમાં લીધી

Related Post

Verified by MonsterInsights