Fri. Oct 11th, 2024

રાજકોટ / અંડરબ્રીજમાં કાર પાણીમાં ડૂબી, ગોંડલ, જેતપુર, ઉપલેટા અને જસદણમાં વરસાદ, મોટાભાગના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસ્યો

રાજકોટ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં વહેલી સવારે 2 કલાકમાં 1 ઈંચ વરસાદ પડતા કેટલાક નીચાણવાળા સ્થળે પાણી ભરાયા, તો ધોરાજીના તોરણીયા, જમનાવડ, પરબડી, મોટીમારડ, ભુખી વેગળી સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો.

જેતપુરના વીરપુર, પીઠડીયા, કાગવડ, સરધારપુર ગામમાં સરેરાશ 1 ઈંચ ધીમી ધારે વરસાદ પડ્યો, તો ઉપલેટા અને જસદણના ગ્રામ્ય પંથકમાં કાચુ સોનું વરસતા ખેતીને નવજીવન મળ્યું છે.

રાજકોટ જિલ્લાના જસદણ, જેતપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો, તો ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ ઉપલેટાના ખાખીજાળીયા, ગઢડા, મોજીરાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો.


આ કાચુ સોનું વરસતા ખેડૂતો ખુશ થઈ ગયા છે.ઉપલેટા પંથકમાં કપાસ, મગફળી, સોયાબીન, એરંડાના પાકને જીવતદાન મળશે. રાજકોટમાં લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થયું છે.. ત્યારે કેટલાક સ્થળો પર હવે લોકોને તંત્રના વાંકે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

રાજકોટના ગોંડલ પંથકમાં મેઘરાજા દે ધનાધન વરસ્યા. ભારે વરસાદથી બસ સ્ટેન્ડમાં દોઢ થી બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી.ગોંડલમાં ઉમવાળા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા કાર ફસાઈ ગઈ હતી.

તંત્રના વાંકે કારચાલકને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જો તંત્રએ અંડરબ્રિજ પાણી ન ઉતરે ત્યાં સુધી બંધ રાખ્યો હોત તો કારચાલકને ફસાવાનો વારો ન આવ્યો હોત. ગોંડલના રેલવે સ્ટેશન અને કોલેજ ચોક સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

Related Post

Verified by MonsterInsights