Wed. Jan 15th, 2025

વડોદરાની રેલવે હોસ્પિટલમાં મહિલાના ડિસ્ચાર્જ માટે પરિવારને બોલાવીને મૃતદેહ સોંપતાં હોબાળો

વડોદરાના પ્રતાનગર રેલવે સંકુલમાં આવેલ રેલવે હોસ્પિટલમાં દાખલ રેલવે કર્મીની પત્નીને ડિસ્ચાર્જ માટે તેમના પરિવારજનોને બોલાવી રેલવે હોસ્પિટલ દ્વારા ડેડબોડી સોંપાતાં પરિજનોએ ભારે હોબાળો કર્યો હતો.જેથી પોલીસ બોલાવવી પડી હતી. હોસ્પિટલના સતાધીશોએ જણાવ્યું હતું કે, ‘દર્દીની તબીયત એકાએક બગડી જતાં તેમના શિફટિંગ દરમિયાન આ ઘટના બની છે.

પ્રતાપનગર રેલવે સંકુલમાં આવેલા રેલવે હોસ્પિટલમાં બનેલી આ ઘટનાની વિગતો અંગે પંકજ માળીએ જણાવ્યું હતું કે, ‘મારા પિતા રણછોડભાઈ રેલવે એકેડેમી લાલબાગ ખાતે માળી તરીકે ફરજ બજાવે છે અને તેમને કોરોના થતાં પાયોનિયર હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જ્યારે તેમની માતા સરોજબેન છેલ્લા 12 દિવસથી પ્રતાપનગર રેલવે હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતાં.

પંકજ ઉમેરે છે કે, ગુરુવારે બપોરે 12 વાગે માતા સરોજબેનને ડિસ્ચાર્જ કરવાનાં હોવાનુંં જણાવી અમને હોસ્પિટલ ખાતે બોલાવાયા હતા પણ અમે પરિવારજનો સાથે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અમને રેલવે હોસ્પિટલ દ્વારા માતાની ડેડબોડી આપતાં પરિવારજનો અકળાયા હતા. આ ઘટના બાદ કોઇ અપ્રિય ઘટના ના બને તેની અગમચેતી રૂપે પોલીસ કાફલો બોલાવી લેવાયો હતો.

રેલવે તબીબ કહે છે કે, અચાનક તબિયત બગડી હતી, અમને પરિવાર સાથે સંવેદના છે
રેલવે કર્મીની પત્નીનું કથીત લાપરવાહીથી મોત થતાં રેલવે હોસ્પિટલના સતાધીશોએ બચાવ કર્યો હતો.સરોજ બેન હાઈપર ટેન્શનના દર્દી હતા તેમને કોરોના થતાં રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સવાર સુધી તેમની તબીયત સારી હતી.પરંતું બપોરના સમયે તેમનો તાવ 106 ડિગ્રીએ પહોંચી જતાં તેમને પાયોનીયર હોસ્પિટલમાં શિફટ કરવા માટે 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી પરંતું આ દરમિયાન સરોજબેનની તબીયત વધુ બગડતાં તેમનુંં મોત થયું હતું અમને તેમના પરિવારજનો સાથે હમદર્દી છે.> કૃષ્ણકુમાર,ચીફ હેલ્થ ઓફિસર,રેલવે હોસ્પિટલ,વડોદરા.

મકરપુરા પોલીસે ફરિયાદ ન લીધી
સરોજ બેન માળીના પરિવારજનોએ જણાવ્યું હતું કે ‘ અમે એફઆઈઆર થાય ત્યાં સુધી ડેડ બોડી લેવા તૈયાર ના હતા પણ મકરપુરા પોલીસે ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો હતો.પોલીસે કહ્યું હતું કે જે થવાનું હતું તે થઇ ગયું હવે ફરિયાદ કરીને શું કરશો?

પત્નીના મોતની પતિને હજુ જાણ નથી કરાઈ
મૃતક સરોજ બેનના પુત્ર પંકજે જણાવ્યું હતું કે‘ મારા પિતા પાયોનીયર હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં છે એટલે તેમને માતાના મોતની જાણ કરાઈ નથી.રેલવે વાળા,પોલીસ વાળા મોટા માણસો છે અમારું કોણ સાંભળે? અમે પૈસાવાળા નથી!

Related Post

Verified by MonsterInsights