Tue. Dec 3rd, 2024

કરજણના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા,પેટાચૂંટણીમાં ભાડેથી ગાડી મૂકનાર પાસે કમિશનના નામે માંગી હતી લાંચ

રાજ્યમાં એસીબી દ્વારા સપાટો બોલીવી દેવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનાની અંદર ઘણા લાંચીયા બાબૂઓ એસીબીની ઝપટે ચડી ગયા છે. વડોદરાના કરજણ સેવાસદનમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા છે. જે.ડી પરમારે વિધાનસભાની પેટાચૂંટણીમાં મુકેલ વાહન માલિક પાસે બિલ પાસ કરાવવા 5 હજારની લાંચ માંગી હતી. આ અગાઉ વાહન માલિક પાસે 20 હજાર રૂપિયાની લાંચ માંગી હતી અને અંતે વાહન માલિક 5 હજાર રૂપિયા આપવા તૈયાર થયો હતો. હાલમાં ACBની ટીમે જે.ડી.પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

2020માં વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં કરજણ તાલુકાના રહેવાસીએ પોતાની કાર ભાડેથી મૂકી હતી. તેઓની કાર ચૂંટણી રથ તરીકે ફરતી હતી. આ કારના બીલો મંજૂર થયા બાદ કાર માલિકના બેંક એકાઉન્ટમાં જમા પણ થઇ ગયા હતા. તેમ છતાં, કરજણના નાયબ મામલતદાર જે.ડી. પરમાર કાર માલિકને ફોન કરીને કમિશનના રૂપિયા 20,000ની માગણી કરતા હતા અને પોલીસ મોકલવાની ધમકી આપતા હતા.

કારના માલિક રૂપિયા 20,000 આપવા માગતા ન હતા. પરંતુ, અનેક વખત નાયબ મામલતદારની ઉઘરાણી બાદ 5 હજાર રૂપિયા આપવા સહમત થયા હતા. જોકે તેઓ 5 હજાર રૂપિયા પણ આપવા માગતા ન હતા. આથી તેઓએ વડોદરા લાંચ વિરોધી શાખાનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની સાથે રાખીને નાયબ મામલતદાર દ્વારા વારંવાર કરાતી ઉઘરાણી અને ધમકીના ઓડિયો પણ ACBને આપ્યા હતા.

દરમિયાન ACBએ ફરિયાદના આધારે આજે મામલતદાર કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન નાયબ મામલતદારે તેઓના વચેટિયા હસમુખ પરમાર(રહે, અણસ્તુ, કરજણ)ને કાર માલિક પાસે રૂપિયા 5,000 લેવા મોકલ્યો હતો. વચેટીયાએ 5 હજાર રૂપિયા લેતાની સાથે જ વોચમાં ગોઠવાયેલી ACBએ વચેટિયાને 5 હજાર રૂપિયાની લાંચ લેતા દબોચી લીધો હતો.

ત્યારબાદ ACBએ નાયબ મામલતદાર જે.ડી. પરમારની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. કરજણના નાયબ મામલતદાર જે.ડી. પરમાર રૂપિયા 5 હજારની લાંચ લેવાના ગુનામાં ACBએ ઝડપી પાડતા કરજણ પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

Related Post

Verified by MonsterInsights