ગુજરાતમાં છેલ્લા દિવસોમાં થયેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી થતા તંત્રએ પાક નુકસાનીનો સર્વે હાથ ધર્યો છે. જેમાં રાજ્યમાં પૂરથી અસરગ્રસ્ત 8 જિલ્લાના 38 તાલુકામાં કૃષિ પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરતમાં પણ પાકને નુકસાન થયું છે. તો મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલમાં પણ પાકને અસર થઈ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની 120 ટીમે 29,800 હેક્ટર જમીનમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરી લીધો છે. જ્યાં હજુ સુધી વરસાદી પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઓસર્યા બાદ પાક નુકસાનીનો સરવે હાથ ધરાશે. આ સર્વેનું કામ પૂર્ણ થયા બાદ સરકારી ધારાધોરણો પ્રમાણે સહાયની ચુકવણી કરવામાં આવશે.