ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તજજ્ઞોએ જણાવ્યું હતું કે, દિવાળીના 15 દિવસ બાદ જો કોરોનાના કેસ પ્રતિદિન વધશે તો પરિસ્થિતિ ચિંતાજનક થઈ શકે છે. હાલ રાજ્યમાં દિવાળી બાદ કોરોના પોઝિટિવ કેસ ધીમે-ધીમે વધી રહ્યા છે. છેલ્લા કેટલા દિવસો બાદ હવે કોરોના પોઝિટિવ કેસનો આંકડો 100ને પર પહોંચ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 23 ડિસેમ્બરના રોજ રાજ્યમાં 111 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 23 ડિસેમ્બરના રોજ 78 દર્દી સારવાર લઈને સ્વસ્થ થયા હતા.
રાજ્યમાં કોરોના થી સાજા થવાનો રિકવરી રેટ 13.70 ટકા છે. ત્યાં સુધીમાં 8,18,129 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. 23 ડિસેમ્બરના રોજ કોરોનાની સારવાર દરમિયાન 2 દર્દીના મોત થયા હતા. જેમાં એક દર્દી આણંદનો અને બીજો દર્દી જામનગરનો હોવાનું સામે આવ્યું છે.
23 ડિસેમ્બરના રોજ 111 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં સૌથી વધારે અમદાવાદમાં સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોના 43, સુરતમાં 17, રાજકોટમાં 11, વડોદરામાં 10, કચ્છમાં 5, વલસાડમાં 5, ખેડામાં 4, નવસારીમાં 4, આણંદમાં 3, રાજકોટમાં 3, મહીસાગરમાં 2, ભાવનગરમાં 1, સાબરકાંઠામાં 1, સુરત ગ્રામ્યમાં 1 અને વડોદરા ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે.
આ ઉપરાંત અમદાવાદમાંથી 18, સુરતમાંથી 4, રાજકોટમાંથી 15, વડોદરામાંથી 7, કચ્છમાંથી 4, વલસાડમાંથી 4, નવસારીમાંથી 4, ભાવનગર શહેરમાંથી 6, ગાંધીનગરમાંથી 1, દ્વારકામાંથી 1, જામનગર ગ્રામ્યમાંથી 3, જામનગર શહેરમાંથી 8, જૂનાગઢમાંથી 1 દર્દી કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયો છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 668 છે. જેમાંથી 12 લોકો વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે અને 656 દર્દીની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 10,108 લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે.
રાજ્યમાં ઓમીક્રોન વેરિયન્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 16 ઓમીક્રોન વેરિયન્ટના કેસ રાજ્યમાં સામે આવ્યા છે. જેથી હવે રાજ્યમાં ઓમીક્રોન વેરિયન્ટના કેસનો આંકડો 30 પર પહોંચી ગયો છે. હાલ 25 દર્દી સારવાર હેઠળ છે અને 5 દર્દી સારવાર લઈને સ્વસ્થ થયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં ઓમીક્રોન વેરિયન્ટના 7, જામનગરમાં 3, સુરતમાં 2, મહેસાણામાં 3, વડોદરામાં 10, આણંદમાં 3, રાજકોટમાં 1 અને ગાંધીનગરમાં 1 કેસ નોંધાયો છે. તો બીજી તરફ શાળા અને કોલેજમાં પણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. તેથી વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા હોવાના કારણે લોકો પણ શાળા બંધ કરવાની માંગણી કરી રહ્યા છે.