Mon. Dec 23rd, 2024

ગોધરામાં પતિના ત્રાસથી પત્નીએ ગળાફાંસો ખાધો, લિવ-ઇનમાં રહેતા અખબારના તંત્રીની પત્નીએ આપઘાત કર્યો

ગોધરામાં બહારપુરાનો અને સપ્તાહિક અખબારના તંત્રી ભરતભાઇ મંગળભાઇ પ્રણામીએ સોનલબેન સાથે મૈત્રી કરાર કરી ફૂલહાર કરી લીધા હતા. ત્યારથી સોનલબેન ભરતભાઇ સાથે પત્ની તરીકે રહેતી હતી. ત્યાર બાદ સોનલબેન તથા તેનો પતિ ભરતભાઇ મંગળભાઇ સોલંકી આજથી દોઢેક વર્ષથી બામરોલી રોડ નિત્યમ સ્કૂલની પાછળ સોનલબેને વેચાતું લીધેલા મકાનમાં રહેતાં હતાં.

ભરતભાઇ પ્રણામી તેની પત્નીને અવારનવાર ત્રાસ આપી તું મને છૂટાછેડા આપી દે, મકાન મને સોંપી દે, મારે બીજી પત્ની લાવવાની છે, એમ કહી પરેશાન કરતાં પત્નીને લાગી આવતાં ઘરમાં જ સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી હતી. બનાવ અંગેની જાણ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસને થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મકાન અંદરથી બંધ હોવાથી દરવાજો ધક્કો મારીને ખોલીને જોતાં રૂમમાં સોનલબેને પંખા પર ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું.

જ્યારે મૃતક સોનલબેનનાં પરિવારજનોએ સોનલબેનની હત્યા કરી હોવાનો આક્ષેપ કરતાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. પોલીસે એફએસએલની મદદ લઈ માનસિક ત્રાસ આપનાર પતિ ભરત પ્રણામી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુસાઈડ નોટમાં 5થી 7 લોકોનાં નામોનો ઉલ્લેખ
મકાનમાં ભરતની પત્ની સોનલે ગળેફાંસો ખાતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. જે પોલીસને મળી આવી છે. જેમાં પતિ તથા અન્ય વ્યક્તિઓ ધ્વારા શારીરિક માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે નોટમાં 5થી 7 લોકોના નામો પણ હોવાનું પોલીસે જણાવ્યું છે. ભરત પોતે લાંબા સમયથી પોતાના નામે પંચમહી ટુડે નામનું સાપ્તાહિક અખબાર ચલાવતો હતો. તેને અન્ય એક યુવતી સાથે પ્રેમ થયો હોવાથી અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હોવાનું તેની પત્નીનાં પરિવારજનોએ જણાવ્યું હતું. હાલ એ ડિવિઝન સુસાઈડ નોટ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

હું સિવિલમાં સારવાર લઇ રહ્યો છું
મારી પત્ની સોનલ સાથે મારે છૂટાછેટા અને મકાન પાછું લેવાનું હતું. મને મારી પત્નીએ ગુરુવારની રાતે મને ધરે બોલાવ્યો હતો. મકાનમાં હુ બાથરૂમ ગયો તો પાછળથી મારી પત્ની સોનલે મારી આંખમાં મરચાંની ભુકી નાખી દેતા મને આંખમાં બળતરા થઇ હતી. અચાનક મારી પત્નીએ માથામાં પાઇપના બે ફટકા મારીને મારા પેટમાં છરો માર્યો હતો. હાલ હું સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છું >ભરત પ્રણામી, મૃતકનો પતિ

પોલીસને ઘરનો સામાન વેરવિખેર મળ્યો
મકાનમાં પતિ અને પત્ની વચ્ચે ઝપાઝપી થઇ હતી. રૂમમાં સામાન વેરવિખેર થયેલો પોલીસને જોવા મળ્યો હતો. બાથરૂમમાં મરચાની ભુકી પડેલી અને લાઇટના બોર્ડ તથા દરવાજા પર લોહીના ડાધા પણ પોલીસને મળી આવ્યા હતા. ઝપાઝપીમાં મૃતક સોનલબેનની એક પાયલ અને બે વીંટી પોલીસને મળી આવી હતી. મૃતક સોનલે અગાઉ કલેકટર અને પોલીસને લિવ-ઇન-રિલેશનશિપનો કરાર ભંગ કરી છૂટા થઇ જઇને મને ધાકધમકી આપતી હોવાની રજૂઆત કરી હતી.

Related Post

Verified by MonsterInsights