અમદાવાદમાં કાલુપુર કોમર્સિયલ બેંકની પરિમલ ગાર્ડન બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર તારક પરીખે શુક્રવારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી. ફરિયાદ પ્રમાણે બે અજાણ્યા શખ્સોએ ગત 23 જાન્યુઆરીના રોજ પરિમલ ગાર્ડન પાસેના એટીએમના ચેક ડ્રોપ બોક્ષમાં રહેલા ચેકની ચોરી કરી હતી.
ગત 24 જાન્યુઆરીના રોજ સવારે 10:00 કલાકે બેંકના કસ્ટમર પરાગ શાહે બ્રાન્ચ મેનેજર પરીખનો સંપર્ક કર્યો હતો અને પોતે એટીએમના ડ્રોપ બોક્ષમાં જે ચેક નાખેલો તે બેંક તરફથી ક્લીયર નથી થયો તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ શાહે બ્રાન્ચ મેનેજરને સ્ટોપ પેમેન્ટ માટે કહ્યું હતું અને તે ચેકની ચુકવણી રોકી દેવામાં આવી હતી.
ત્યાર બાદ ‘કિર્તી પેપર’ નામની બેંકની એક ગ્રાહક પેઢીએ પણ બેંકનો સંપર્ક કરીને પોતાનો રૂ. 6.12 લાખનો ચેક ક્લીયર ન થયો હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે પણ સ્ટોપ પેમેન્ટ કરવા માટે સૂચના આપી હતી.
આ કારણે શંકા જતા પરીખે બેંકના અન્ય સ્ટાફ સાથે મળીને પરિમલ ગાર્ડન પાસેના એટીએમના સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા અને તેમને ચોરીની જાણ થઈ હતી.
સીસીટીવી ફુટેજમાં જાન્યુઆરી 23ના રોજ સવારે 9:15 કલાકે 2 વ્યક્તિ એટીએમમાં પ્રવેશતી જોવા મળી હતી. તેમાંથી એક શખ્સ બહાર ઉભો રહ્યો હતો અને બીજાએ અંદર પ્રવેશીને કેટલાક ટૂલ વડે ચેક બોક્ષ ખોલી નાખ્યું હતું અને તેમાં રહેલા તમામ ચેક ઉઠાવી લીધા હતા. ત્યાર બાદ તેઓ બંને ત્યાંથી ભાગી ગયા હતા.
બાદમાં પરીખે એલિસબ્રિજ પોલીસનો સંપર્ક કર્યો હતો અને બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.