Fri. Dec 27th, 2024

ડબલ કમાણી કરવાની લાલચમાં અમદાવાદીએ રૂ. 46 લાખ ગુમાવ્યા, સાયબર ક્રાઈમે એકની ધરપકડ કરી

અશ્વગંધાના બીજ વેચાણ કરી નફો રળી લેવાની લાલચ આપી છેતરપિંડી આચરતા એક શખશની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. આરોપીએ પોતાની ગેંગ સાથે અમદાવાદના બિલ્ડર પાસેથી 46.81 લાખની છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે. જો કે આ ગેંગના અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ ગેંગે અન્ય કેટલી જગ્યાએ આવા ગુના આચાર્ય છે તેની વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમે પકડેલા આરોપીનું નામ અબ્દુલ કાદિર કચ્છી છે. મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. તેની પાસેથી અલગ અલગ 06 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. આરોપીની મોડેસ ઓપરેન્ડી ઉપર નજર કરીએ તો અલગ અલગ મેઈલ આઈ.ડી અને વિદેશી મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી ઔષધી તથા અશ્વગંધાના બીજ ખરીદવાના બહાને તથા પોતાની કંપનીને સપ્લાય કરવાથી મોટું વળતર મળશે તેવી લાલચ આપી અમદાવાદના એક બિલ્ડર પાસેથી 46.81 લાખની છેતરપિંડી આચરી છે. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અશ્વગંધાના બીજ વેચી ડબલ નફો રળવાની લાલચ અપાતી હતી
અશ્વગંધાના બીજ વેચી ડબલ નફો રળવાની લાલચ અપાતી હતી

આરોપી અબ્દુલ કાદિરની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, આ ગુનાના અન્ય આરોપીઓ કે જેઓ છેતરપિંડી કરી જે રૂપિયા આર.ટી.જી.એસ દ્વારા મેળવતા હતા. તે રૂપિયા આંગડિયા મારફતે પોતે મેળવી પોતાનો 10%ના હિસ્સો લઈને વધેલી રકમ મુખ્ય આરોપીને દિલ્હી સુધી પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ ફરિયાદીના મેઈલ આઈ.ડી પર એક મેઈલ મોકલ્યો અને અશ્વગંધાના બીજ વેચાણ કરવામાં માટે વેપારીને ભોળવ્યો હોવાની કેફિયત અબ્દુલ કાદિર નામના આરોપીએ કરી છે. આ ગુનામાં અન્ય 2 આરોપી ફરાર છે, જેઓ ફાર્મા કંપનીના કર્મચારી હોવાની ઓળખાણ આપી દિલ્હી ખાતે ફરિયાદી સાથે મિટિંગ કરી હતી અને તે મિટિંગ બાદ વધુ 46 પેકેટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, અગાઉ પણ મોંઘી ઔષધી કે પછી આર્યુવેદિક તેલ મેળવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગો ઝડપાઇ છે. તેમ છતાં અમદાવાદના વધુ એક બિલ્ડર 2500 ડોલરમાં અશ્વગંધાના બીજ ખરીદી 6000 ડોલરમાં વેચી નફો લેવાનો લાલચમાં પોતાના 46 લાખ ગુમાવી બેઠા છે, ઉલ્લેખનીય છે કે, સાયબર ક્રાઇમે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, સ્પામ ઇ-મેઈલ થકી લોભામણી લાલચો આપી છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવાની સલાહ પણ સાયબર ક્રાઇમે આપી છે.

Related Post

Verified by MonsterInsights