Tue. Dec 3rd, 2024

નવા વેરિયન્ટ વચ્ચે રાજ્ય સરકારે જાણો 8 શહેરોમાં કર્ફ્યૂને લઈને શું નિર્ણય કર્યો

c.ndtvimg.com

રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્યના આઠ મહાનગરો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 30 નવેમ્બરના રોજ રાત્રી કર્ફ્યૂ સહિત જે પ્રતિબંધો 8 મહાનગરોમાં લાદવામાં આવ્યા હતા તેનો અંતિમ દિવસ હતો. હવે રાજ્ય સરકારે ફરી 8 મહાનગરો માટે રાત્રી કર્ફ્યૂને લઈ અને કોરોનાની ગાઈડલાઈનને લઈ એક માર્ગદર્શિકા જાહેર કરી છે.

જેમાં આઠ મહાનગરોમાં રાજ્ય સરકાર દ્વારા રાત્રે 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુની અમલવારી કરવાની સૂચના આપવામાં આવી છે. એટલે કે 8 મહાનગરમાં રાત્રે 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ કામ વગર બહાર નીકળી શકશે નહીં અને જો કોઈ વ્યક્તિ કામ વગર બહાર નીકળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

લોકોને એવી આશા હતી કે, કોરોનાનું સંક્રમણ ઘટતા રાત્રી કર્ફ્યૂમાંથી મુક્તિ મળશે પરંતુ રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકાના કારણે સ્પષ્ટ થઈ ગયું છે કે 8 મહાનગરોમાંથી રાત્રી કર્ફ્યૂ હટાવાયો નથી અને રાત્રી કર્ફ્યૂના સમયમાં સરકારે થોડી રાહત આપી છે. 12 વાગ્યાની જગ્યાએ રાત્રી કર્ફ્યૂનો સમય એક વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી રહેશે.

તો બીજી તરફ ટ્યુશન ક્લાસીસમાં પણ 50 ટકા વિદ્યાર્થીઓની હાજરીમાં તેમણે અભ્યાસ કરવામાં આવે તેવું પણ રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકામાં જણાવ્યું છે. આ ઉપરાંત અંતિમક્રિયા અને દફનવિધિ માટે 100 લોકોને મંજૂરી આપવામાં આવી છે. તો બીજી તરફ અલગ-અલગ શહેરોમાં દોડતી સિટી બસોને 100 ટકા મુસાફરોની ક્ષમતા સાથે શરુ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ એકમો કે પછી યુનિટોના માલિકોને તેમની નીચે કામ કરતા કર્મચારીઓએ કોરોના વેક્સીનનો પહેલો અથવા બીજો લીધો છે કે, નહીં તે બાબતે ખરાઈ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

નવી ગાઈડલાઈન અનુસાર 8 મહાનગરોમાં રાત્રે 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લા રાખી શકાશે. તો લગ્ન પ્રસંગે, ધાર્મિક પ્રસંગ સહિતના પ્રસંગોમાં 400 લોકોની મર્યાદામાં છૂટછાટનો આપવામાં આવી છે. આ નવી માર્ગદર્શિકાનો અમલ 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી કરવામાં આવશે.

રાજ્યમાં 29 નવેમ્બરના રોજ 27 નવા કેસ પોઝિટિવ આવ્યા હતા. આ 27 નવા કેસમાં સૌથી વધારે કેસ વડોદરામાં સામે આવ્યા હતા. વડોદરામાં 6, અમદાવાદમાં 5, ભરૂચમાં 5, સુરતમાં 4, કચ્છમાં 3, ભાવનગર, જામનગર, પંચમહાલ અને સુરત જિલ્લામાં 1-1 કેસ નોંધાયો હતો.

Related Post

Verified by MonsterInsights