સુરત શહેરમાં એક મોપેડ ચોરીની ઘટનામાં ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં શાકભાજીની લારી ચલાવતી યુવતીએ મોપેડ ચોરી કરી હોવાનુ સામે આવ્યું હતું. આ મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે લિંબાયત મહાપ્રભુનગરમાં રહેતી સુષ્મા અનિલ પારધી પાસે ચોરીની મોપેડ છે. જેથી પોલીસે તેને અટકાયતમાં લઇ પૂછપરછ કરતાં આ મોપેડ તેણે ગત તા. 11મીએ સવારે ડુંભાલ ફાયર સ્ટેશન નજીક પરવટ પાટિયાની મહાવીર સોસાયટી સામેથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ મોપેડ મહાવીરનગર સોસાસાયટીમાં ફેમિલી ડેન્ટલ ક્લિનિકના ડોક્ટર નિતેશ આહીરની હતી અને તેમણે મોપેડ ચોરીને લઇને લિંબાયત પોલીસ મથકમાં કપ્લેઇન પણ કરી હતી.
સુષ્માએ કરેલી કબૂલાત પ્રમાણે તે રોજ સવારે અને સાંજે લારી લઇને શાકભાજી વેચવા નીકળે છે. બાઇક રાઇડિંગનો શોખ ધરાવતી સુષ્મા ગત 11મીએ શાકભાજીની લારી લઈને આ ક્લિનિક સામેથી પસાર થઇ હતી ત્યારે તેને મોપેડમાં જ ચાવી જોવા મળતાં તે ચોરી કરવાની ઉત્કંઠા રોકી શકી ન હતી. થોડે દૂર શાકભાજીની લારી મૂકી પરત આવી હતી અને મોપેડ ચોરી લીધું હતું. સવારે શાકભાજી વેચ્યા બાદ બપોરે તે આ મોપેડ ઉપર સતત આંટા મારતી રહેતી હતી. પત્નીની મોપેડ ચોરીની હરકતથી પતિ પણ છેલ્લે સુધી અજાણ હતો.
જોકે, પત્નીએ પોલીસની અટકાયત કર્યા બાદ જાણ થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શાકભાજી વિક્રેતા એવી આ યુવતી દ્વારા અગાઉ કેટલી અને ક્યાં ક્યાં ચોરી કરવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ડેન્ટિસ્ટની મોપેડ ચોરી થવાની ધટનામાં કાઇમ બ્રાન્ચે શાકભાજી વેચતી યુવતીની ધરપકડ કરી હતી. શાકભાજીની લારી ફેરવતી આ યુવતીએ મોપેડ ચોરીની હકીકતથી તેનો પતિ પણ અજાણ હતો. હાલ પોલીસે આ સમગ્ર ઘટનામાં યુવીતની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.