ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીમાંથી ઉપાધ્યક્ષનું પદ છોડીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. સુવાળાએ જ્યારે આમ આદમી પાર્ટી છોડવાની વાત કરી ત્યારે કહ્યું કે, હું કાર્યક્રમોના કારણે પક્ષને સમય આપી શકતો નથી. તેથી પાર્ટી છોડવા માગું છે. ત્યારબાદ એકાએક જ વિજય સુવાળા કમલમ ખાતે પહોંચ્યો અને તેને પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી લીધો. ત્યારે સવાલ થાય કે શું હવે વિજય સુવાળા એક પણ પ્રોગામ નહીં કરે કારણ કે આમ આદમી પાર્ટી પક્ષને કાર્યક્રમના કારણે સમયન આપી શકવાના કારણે છોડી હતી.
ત્યારે શું હવે સુવાળા ભાજપને પૂરતો સમય આપશે? તો બીજી તરફ ભાજપમાં જોડાયા બાદ સુવાળા હવે બેફામ વાણી-વિકાસ કરતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિજય સુવાળાનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં તે દેવીપૂજક સમાજ અને અનુસુચિત જાતીના લોકો વિષે ટીપ્પણી કરી રહ્યો છે. ત્યારે આ વીડિયોને લઇને ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રેખા સોલંકીએ વિજય સુવાળા જાહેરમાં માફી માગે તેવી માગણી કરી છે. નહીં તો પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
વિજય સુવાળાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, મારા ભાઈયો હું પણ રબારીનો છોકરો છું, ……નો છોકરો નથી. મને કોઈના બાપની બીક લાગતી નથી અને લાગશે પણ નહીં. આ હું પેલા અધૂરા ઘડા જે છલકાય છે તેમના માટે ખાસ કહું છું.
આ બાબતે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રેખા સોલંકીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વિજય સુવાળાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં અનુસુચિત જાતી અને દેવીપૂજક સમાજ વિષે ખરાબ શબ્દો બોલ્યા છે. જે વિજય સુવાળા પહેલા આમ આદમી પાર્ટીમાં હતા અને તેઓ હવે ભાજપમાં ગયા છે.
ભાજપમાં ગયા બાદ તેમના નિવેદન અને લોકો વિષેની તેમની ગંદી વિચારધારા જાહેર કરી છે. જો વિજય સુવાળા તાત્કાલીક દેવપૂજક સમાજના લોકોની અને અનુસુચિત જાતીના લોકોની માફી નહીં માગે તો હું તાત્કાલિક તેમની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશ અને આંદોલન પણ કરીશું. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસના મહિલા નેતાની ચીમકી બાદ વિજય સુવાળા લોકોની માફી માગે છે કે નહીં.
ઉલ્લેખનીય છે કે, એક સમયે આમ આદમી પાર્ટીમાં જઈને ભાજપની સામે આંકરા પ્રહાર કરનાર વિજય સુવાળા ભાજપમાં જોડાતાની સાથે જ ભાજપના ગુણગાન ગાઈ રહ્યો છે. સુવાળાએ ભાજપમાં જોડાયા બાદ કહ્યું હતું કે, ભાજપથી સારું સંગઠન કોઈ નથી. હું તમ, મન અને ધનથી લોકોની સેવા કરીશ. આ ઉપરાંત સુવાળાએ એવું પણ કહ્યું હતું કે પાટીલ મને દીકરો ગણે છે.