ઉદયપુરમાં ધોળા દિવસે થયેલી હત્યાને લઈને માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉદયપુરમાં નૂપુર શર્માની ટિપ્પણીનું સમર્થન કરનારા દરજીની હત્યા બાદની સ્થિતિની સમીક્ષા અને આગામી રથયાત્રાને અનુલક્ષીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી આશિષ ભાટિયા અને ઉચ્ચ સરકારી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની ગાંધીનગરમાં મીટિંગ યોજાઈ હતી.
મિટિંગમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય અને સમગ્ર રથયાત્રા દરમિયાન કોમી સૌહાર્દ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય તેની તકેદારી રાખવા સૂચનો કરાયાં હતાં. મળતી વિગત અનુસાર અમદાવાદ સહિત જ્યાં પણ રથયાત્રા નીકળવાની છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે જરૂર પડ્યે વધારાની ફોર્સ તહેનાત કરવા સહિતની ચર્ચા કરાઈ હતી. રથયાત્રા દરમિયાન ગમે તેવી સ્થિતિની પહોંચી વળવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જરૂરી આદેશ આપવામાં આવ્યા હતા.