અમદાવાદની સેલ્બી હોસ્પિટલમાં 12મી એપ્રિલે માધવીબેન ઠક્કર નામના 62 વર્ષના વૃદ્ધાએ પગમાં ની-રિપ્લેશમેન્ટનું ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશનના 4-5 દિવસ પછીથી વૃદ્ધાને પગમાંથી સતત લોહી નીકળી રહ્યું હોવાથી હોસ્પિટલમાં ડોકટરને જાણ કરી હતી. જે બાદ ડોક્ટરો અનેક વાર વૃદ્ધાની સર્જરી કરી અને પગમાં મોટું નુકસાન કરી નાખ્યું હોવાનો આક્ષેપ છે. વૃદ્ધાને હાલ પગ કાપવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
વાતચીતમાં શૅલ્બી હોસ્પિટલ પર બંસરી ઠક્કરે આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, સાહેબ, હું લોહાણાની દીકરી છું અને સત્ય-ન્યાય માટે ક્યારેય પાછી નહીં પડું, જ્યંતિ રવિ, સી.આર પાટીલ, નીતિન પટેલ, વિજય રૂપાણી સર અને PMO તમામને અરજી કરું છું તો ફરિયાદ દાખલ કરવાની સલાહ મળે છે. જ્યારે મહામંથનમાં એક દીકરી રડી પડી, કહ્યું મને ન્યાય અપાવો બસ… મારી માતાના ઉદરના લોહીમાંથી જન્મી તેના કરતા કદાચ વધારે લોહી મેં અત્યારે જોયું છે.
દર્દીના સગાએ જણાવ્યું કે, અગાઉ પણ વાત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, સારવાર માટે હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી અંદાજે 5 લાખ જેટલું બિલ દર્દી પાસેથી વસુલવામાં આવ્યું છે અને હવે દર્દીના પરિજનોને વધુ 11 લાખનું બિલ ભરવા અને દર્દીને ઘરે લઈ જવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. વૃદ્ધાની દીકરી સાથે લેબ ટેક્નિસીયને છેડતી કરી હોવાની પણ અરજી આનંદનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. જેથી હોસ્પિટલ દ્વારા મામલો દબાવવા માટે વૃદ્ધાની દીકરીને દબાણ કરાઈ રહ્યું હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. યુવતિએ આ મામલે પોલીસની મદદ માંગી છે. અને માતાની સારવાર ન અટકે એ માટે સાયબર ક્રાઈમમાં પણ અરજી કરી છે.