વડોદરા શહેરમાં છેલ્લા 18 કલાકમાં 3 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. જેના કારણે શહેરનાં મોટા ભાગના રસ્તાઓ પર પાણી ભરાયું છે. જેના કારણે શહેરના રાજમહેલ રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં પણ પાણી ભરાયા છે. આ સાથે આજવા સરોવરની જળ સપાટી 211 ફૂટે પહોંચી છે. આથી આ વધતાં જતા પાણીને વિશ્વામિત્રી નદીમાં છોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરવાસમાં વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી હજુ વધવાની શક્યતા છે.
નોંધનીય છે કે, ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને મધ્ય રાત્રી પછી દેવ ડેમમાં સપાટી 87.85 મીટરથી વધીને 87.91 મીટર થતાં રૂલ લેવલ જાળવવા ગેટ નં.3,4,5 અને 6ને 0.45 મીટર જેટલા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વાઘોડિયા, ડભોઇ અને વડોદરા ગામ સહિત અસર પામતા તાલુકાઓના તંત્રોને સતર્ક રહીને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અસર પામતા ગામોના લોકોને સાવચેત રહેવા, કાંઠા વિસ્તારથી અંતર જાળવવા અને જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવા જણાવવામાં આવ્યું છે.