Mon. Dec 23rd, 2024

સુરત: ગ્રીષ્મા વેકરિયાની અંતિમયાત્રા નીકળી, પરિવાર સહિત મોટી સંખ્યામાં જોડાયા લોકો

સુરત: શહેરના પાસોદરામાં 12 ફેબ્રુઆરીના ગ્રીષ્મા વેકરિયાની થયેલી કરપીણ હત્યા બાદ આજે તેની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં પરિવાર-સંબંધી સહિત શહેરના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ઘણાની આંખમાં આંસુ તો ઘણાની આખમાં હત્યારા ફેનિલ પ્રત્યે રોષ પણ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવતીના પિતા સાઉથ આફ્રિકામાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાને કારણે તેમને જાણ કર્યા બાદ તેઓ મોડીરાતે સુરત પહોંચ્યા હતા. જેથી આજે તેમની હાજરીમાં અંતિમયાત્રા નીકળી છે અને થોડા સમયમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યાં હતાં. બીજી તરફ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે. જ્યારે સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યાં છે. અંતિમયાત્રામાં ધાર્મિક માલવીયા, અલ્પેશ કથિરીયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત હોવાનું જાણવા મળ્યું છે.

શનિવારે થઈ હતી હત્યા
સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલાભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો અને પરિવારની સામે જ ગ્રીષ્માનું ગળું કાપીને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

હત્યારાને ફાંસી આપવાની માંગ
ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલ સામે પરિવારના સભ્યો તરફથી ફાંસીની સજા ફટકારવામાં આવશે તેવી માંગ કરવામાં આવી છે. સોમવારે ઘરનાની ગંભીરતા સમજીને ગ્રીષ્માના પાસોદરા ખાતે ઘરે પહોંચેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ આ કેસની તપાસ તાત્કાલિક પૂર્ણ કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્માની કરપીણ હત્યાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. એકતરફી પ્રેમમાં પાગલ હત્યારા ફેનિલ ગોયાણી તરફે ભારે ફિટકાર વરસી રહી છે.

Related Post

Verified by MonsterInsights