Sun. Jan 5th, 2025

સુરતમાં કોરોના રસીકરણના ટોકન માટે મોટા પ્રમાણમાં ટોળા સ્વરૂપે ધસી આવીને એકબીજાના હાથમાંથી ટોકન ઝૂંટવ્યા

સુરતના ભીમપોરની એક શાળામાં વેક્સિનેશન માટેનું સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. પરંતુ કેટલી મોટી અવ્યવસ્થા ઊભી થઈ છે અને તે કેટલી ગંભીર હોય શકે છે તે અહીં જોવા મળી છે. ભીમપોર વિસ્તારમાં વેક્સિનેશન માટે ટોકન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. લોકોને જાણ થતાની સાથે જ મોટા પ્રમાણમાં ટોળા સ્વરૂપે ધસી આવીને ટોકન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ટોકન વ્યવસ્થિત રીતે લોકોને મળી રહે તે માટેની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવી જરૂરી હતી.

પરંતુ જે રીતે લોકો એકાએક ટોકન લેવા માટે ધસી જતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા. લોકો ટોકન એકબીજાના હાથમાંથી ઝૂટવી લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.જો આ ટોળામાંથી કોઈપણ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તો શું પરિસ્થિતિ ઊભી થઇ શકે તેની આપણે ગંભીરતા સમજી શકીએ છીએ. વેક્સિનેશન સેન્ટરમાં ઇન્ચાર્જ કોણ હતું તેની તપાસ કરીને તેમની સામે પગલાં લેવા જરૂરી બને છે. જો આ પ્રકારની સ્થિતિ અન્ય રસીકરણ સેન્ટર પર પણ હોય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

સુરત વહીવટી તંત્ર દ્વારા આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. 45થી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનના બીજો ડોઝ માટે પણ રસી નહીં હોવાથી આજે (મંગળવાર) તમામ રસી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે. સુરતના ભીમપોર વિસ્તારમાં રસીકરણના ટોકન માટે આજે રીતસરની પડાપડી થઈ ગઈ હતી. લોકો ટોકન એકબીજાના હાથમાંથી ઝૂંટવી લેતા જોવા મળ્યા હતા. જેના દ્રશ્ય એટલા ભયાવહ હતા કે કોરોના સંક્રમણ આવી સ્થિતિમાં કેવી રીતે અંકુશમાં આવી શકે તે એક મોટો પ્રશ્ન છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશન માટે સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

Related Post

Verified by MonsterInsights