મ્યુકોરમાઈકોસિસથી રક્ષણ મેળવવા તકેદારીના ભાગરૂપે રોગ વિષે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી જાગૃતતા કેળવવી આવશ્યક છે. પરંતુ હવે રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસ નામની જટિલ બીમારીએ માથું ઊંચક્યું છે. મ્યુકોરમાઈકોસિસ રોગના કેસો રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, મોરબી સહીતના શહેરોમાં જોવા મળ્યા છે.
આ રોગના દર્દીઓને સમયસર સારવાર આપવામાં ના આવે તો તેના ચહેરાનાં અનેક ભાગોને ઈજા પહોંચી શકે છે. આ બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે. આ રોગ આંખમાં થાય તો આંખ સોજી જાય છે અને કોઈવાર આંખ ખસી જાય (પ્રોપ્ટોસિસ) છે. આ રોગ દર્દીની રોશની છીનવી શકે છે. તેમજ મ્યુકરમાઇકોસિસ મગજમાં ફેલાઇ જાય દર્દીઓની હાલત ગંભીર થઇ જાય છે. તેની જીભ થોથવાય છે. ચહેરો વાંકોચૂકો થઇ જાય છે. મગજમાં પરૂ થઇ કોમાની સ્થિતિ ઊભી થાય છે.
મ્યુકોરમાઈકોસિસના લક્ષણો
સાયનન્સ ઈન્ફેકશન થાય, સાથે નાક બંધ થવું, નાકમાંથી લોહી નીકળવું, શ્વાસ લેવામાં તકલીફ, રસી પડવી, તાવ અને તાળવું કાળા રંગનું થઈ જવુ માથાનો દુખાવો અને તાવ જેવી તકલીફો, ચેપ સાયનસની બહાર લાગે તો મોંની ઉપરનું જડબુ કોતરાઇ જવું નાકની આસપાસ સોજો થવો આંખ પર લાલાશ અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે.
મ્યુકોરમાઈકોસિસ શું છે?
મ્યુકર નામની ફૂગથી થતા રોગને મ્યુકોરમાઈકોસિસ કહેવાય છે. મ્યુકરમાઇકોસિસનો રોગ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ હાલમાં કોરોના વાયરસની સારવારમાં સ્ટીરોઇડને કારણે સુગર લેવલ વધ્યું હોય કે રોગ પ્રતિરોધક શક્તિ ઘટી હોય તેવા દર્દીઓ આ રોગનો ભોગ બની રહ્યા છે. સામાન્ય રીતે, આંખ અને નાકના હાડકાની વચ્ચે આ રોગ થાય છે. આ બીમારીમાં ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે.
મ્યુકર લોહીની નસોમાં ઉછેર પામી, લોહીના પ્રવાહને બંધ કરી દે છે અને જે-તે પેશીનો નાશ (નેક્રોસિસ) કરે છે. મ્યુકરમાઇકોસિસ ફેફસામાં ફેલાય તો તેને ‘પલમોનરી માઇકોસિસ’ તેમજ ચામડીમાં થાય તો તેને ‘ક્યુટેનિઅસ માઇકોસિસ’ તરીકે ઓળખવામાં આવે છે.
કોને થઇ શકે મ્યુકોરમાઇકોસિસ?
કોરોના કે કેન્સરના દર્દીને શ્વેતકણો (WBC)નું પ્રમાણ ઓછું હોય તેવા લોકોને, આયર્ન (લોહતત્વ)નું પ્રમાણ લોહીમાં અતિશય વધી (હેમોક્રોમાટોસિસ) જાય ત્યારે, રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય ત્યારે, લાંબા સમયથી સ્ટિરોઇડ દવાઓ લીધી હોય તેને, અંગ પ્રત્યારોપણ કરાવેલું હોય તે વ્યક્તિને, ચામડીમાં ઊંડો ઘા થયો હોય ત્યારે, પાંદડાઓના સડા અને છાણમાં ફેલાયેલી આ ફૂગનો ચેપ લાગે ત્યારે.
મ્યુકોરમાઈકોસિસનું નિદાન અને સારવાર
મ્યુકોરમાઈકોસિસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના નિદાન માટે સીટી સ્કેન, એમઆરઆઇ, અને બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. તેમજ સારવારમાં એમ્ફોટેરેસિન-બીના ઈંજેકશનો 15થી 21 દિવસ સુધી આપવામાં આવે છે. અને ઓપરેશન દ્વારા નાકમાંથી મ્યુકરને દૂર કરવામાં આવે છે.