દિલ્હીમાં કોરોનાની ગતિને બ્રેક મારવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનને એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ અંગે જાણકારી આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દિલ્હીમાં જે લોકડાઉન પહેલા 10 મેના રોજ પૂર્ણ થવાનું હતું તે હવે 17 મેની સવાર સુધી લાગુ રહેશે.
અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે આ વખતનું લોકડાઉન વધુ આકરૂ રહેશે જેથી સંક્રમણની ગતિને કાબૂમાં લઈ શકાય. દિલ્હીમાં સોમવારથી મેટ્રો સર્વિસ પણ બંધ કરી દેવામાં આવશે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં લોકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. 26 એપ્રિલ બાદ ધીરે-ધીરે નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાથે જ છેલ્લા 2-3 દિવસમાં સંક્રમણનો દર 35 ટકાથી ઘટીને 23 ટકાએ પહોંચી ગયો છે. તેમણે લોકડાઉનનો ઉપયોગ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનને મજબૂત કરવા કરવામાં આવ્યો હોવાની માહિતી પણ આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દિલ્હીમાં સૌથી મોટી મુશ્કેલી ઓક્સિજનની અનુભવાઈ. હોસ્પિટલોમાં સામાન્ય દિવસોમાં ઓક્સિજનની જેટલી જરૂર પડે છે તેનાથી અનેક ગણી વધુ જરૂર પડવા લાગી. કારણ કે, હવે જેટલા પણ દર્દીઓ આવી રહ્યા છે તે બધાને ઓક્સિજનની જરૂર પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશના કારણે અને કેન્દ્ર સરકારના સહયોગના કારણે દિલ્હીમાં હવે ઓક્સિજનની સ્થિતિ ખૂબ સુધરી ગઈ છે. હવે હોસ્પિટલોમાં 2 કલાકનો ઓક્સિજન જ બચ્યો છે કે અડધા કલાકનો ઓક્સિજન જ બચ્યો છે તેવા સમાચાર સાંભળવા નથી મળતા.