Sun. Sep 8th, 2024

ભાવનગરની જનરેશન હોસ્પિટલમાં લાગી આગ, ICUમાં એડમિટ 70 દર્દીઓને અન્ય હોસ્પીટલમાં ખસેડાયા

કોરોનાના સંકટ વચ્ચે દેશની હોસ્પિટલોમાં આગ લાગવાનો સિલસિલો ચાલુ છે. તાજેતરમાં ગુજરાતના ભાવનગર ખાતે આવેલી જનરેશન હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલના ત્રીજા માળે જ્યાં આઈસીયુ બેડ રાખવામાં આવ્યા હતા ત્યાં આગ લાગી હતી. આગ લાગી તે સમયે આઈસીયુમાં 70થી વધારે દર્દીઓ દાખલ હતા અને તે તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

હોસ્પિટલના વહીવટાધિકારીઓએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી આપી હતી. આગ લાગી ત્યાર બાદ તમામ દર્દીઓને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેથી તમામ દર્દીઓ સુરક્ષિત છે. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને અનેક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

આગ લાગવાના કારણે હોસ્પિટલમાં અફડાતફડી મચી ગઈ હતી અને ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર સાથે બહાર લાવીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અગાઉ ગત 30 એપ્રિલના રોજ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના કોરોના કેર વોર્ડમાં રાતના સમયે અચાનક આગ લાગી ગઈ હતી. આગની લપેટો આઈસીયુ વોર્ડ સુધી પહોંચી જવાના કારણે 14 દર્દીઓ અને 2 સ્ટાફ નર્સના ઘટના સ્થળે જ મોત થયા હતા. આગ લાગી તે સમયે હોસ્પિટલના કોરોના વોર્ડમાં આશરે 49 દર્દીઓ દાખલ હતા જેમાંથી 24 દર્દીઓ આઈસીયુમાં હતા.

Related Post

Verified by MonsterInsights