Sun. Sep 8th, 2024

અનાજ વિતરણના ચાર દિવસે’ય અનેક દુકાનો સુધી સરકારે જથ્થો પહોંચાડયો જ નથી, રાશનની અનેક દુકાનો પર ‘માલ નથી આવ્યો’ના બોર્ડ લાગ્યા

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકારે રૂા ૬૧ પ્રતિ કિલોના ભાવની તુવેરદાળ રાશનકાર્ડ પર વેચવા માટે આપવા માંડી તેને ત્રણ મહિના થયા. આ તુવેરદાળની ખપત ખૂબ ઓછી હોય છે પરંતુ કેટલાંક દુકાનદારો આગ્રહ કરીને ગ્રાહકોને તે લેવા ફરજ પાડે છે. એક કિલોના પ્લાસ્ટિક પેકમાં પડી પડી તુવેરદાળ ખરાબ થઈ જાય છે, રાશન વિક્રેતાઓ પાસે સ્ટોક પડયો હોવા છતાં સરકાર નવા મહીને નવો સ્ટોક ઉપાડવા તેમને મજબૂર કરે છે. અગાઉ આ રીતે અપાયેલા ચણાંનો મોટો જથ્થો સડી ગયો હતો.

બીજી તરફ, મુક્ત બજારમાં કેરોસીન મળતું નથી અને જેઓ રાંધણગેસ જોડાણ ધરાવે છે તેમાંથી પણ અનેક પરિવારોને સીલિન્ડરના ભાવ પરવડે એવા નથી હોતા છતાં કેરોસીન ફાળવણીમાં ઉતરોત્તર કાપ મૂકાતો જાય છે, ઉપરાંત ભાવ વધતા વધતા હાલ રૂા ૪૦ પ્રતિલિટર થઈ ગયા છે.

રાજકોટના ફેર પ્રાઈઝ શોપ ઓનર્સ એસો. પ્રમુખ માવજી રાખશિયા કહે છે કે ‘છેલ્લા બે મહિનાથી તો જરૂરત સાપેક્ષ ૭૦ ટકા જ જથ્થાની ફાળવણી થતી હોવાથી અનેક પરિવારોને કેરોસીન નથી મળતું અને વેપારીઓ સાથે નાહક ઘર્ષણ થઈ પડે છે. ખાસ કરીને સ્લમ એરિયામાં રહેતાં પરિવારોને કેરોસીનના અભાવે ખૂબ સહન કરવું પડે છે.

મહામારીના સમયમાં ગરીબો પ્રત્યે સંવેદના દાખવીને પુનઃ નિઃશુલ્ક અનાજ વિતરણની બડી બડી બાતે થઈ, પરંતુ પ્રસિધ્ધિની ઉતાવળમાં શરૂ કરી દેવામાં આવેલા અનાજ વિતરણના ચાર દિવસે’ય અનેક દુકાનો સુધી સરકારે જથ્થો પહોંચાડયો જ નથી એટલે ગરીબોને ધક્કા થઈ રહ્યાં છે. ઉપરાંત, તુવેરદાળ મોંઘી લાગતી હોવાથી કોઈ લેતું નથી છતાં ખડકલા કરાય છે તો બીજી બાજુ કેરોસીનની અનેક પરિવારોને જરૂરત હોવા છતાં તેની ફાળવણીમાં ઉતરોત્તર કાપ આવી રહ્યો છે.

સરકાર કેરોસીનને જાહેર વિતરણ વ્યવસ્થામાંથી બાકાત કરી દેવાના મૂડમાં હોય તેમ ઘટતી ફાળવણી સામે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના હેઠળ ઘઉં-ચોખા મળીને વ્યક્તિદીઠ પાંચ-પાંચ કિલો જથ્થો મફત આપવાનું શાસકોએ જાહેર કર્યા બાદ પુરવઠા નિગમ પૂરતો જથ્થો હજુ નહીં પહોંચાડી શક્યું હોવાથી ગરીબો અનાજ લેવા દુકાને પહોંચે ત્યારે અનેક સ્થળે એવા બોર્ડ વાંચવા મળે છે કે, ‘માલ નથી.’ દુકાનદારો તેમને ફોનથી જાણ કરવાની ધરપત આપી ઘેર પાછા મોકલી દે છે.

આ વખતે ઓનલાઈન સીસ્ટમમાં જે સ્કીમનો માલ હોય તેની જ પરમીટ ઈશ્યૂ કરવા નિયમ લાગુ પડી જતાં દુકાનદારો ગ્રાહકને બંને (મફત અને રાહત દરનું) અનાજ એક સાથે આપવામાં સફળ નથી થતા, ગરીબ કાર્ડધારકોએ બીજો ધક્કો ખાવો પડે છે. જો કે નિગમના સૂત્રોનો દાવો છે કે, આજે રજા છતાં લોડીંગ-અનલોડીંગ ચાલુ જ રખાયું હતું અને રવિવારે પણ ચાલુ રાખીને બનતી ત્વરાએ ઘઉં-ચોખા પહોંચાડી દેવામાં આવશે.

 

Related Post

Verified by MonsterInsights