Sun. Sep 8th, 2024

ગુજરાતમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે લેવાયો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, આ વિધાર્થીઓને મળશે મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન

રૂપાણી સરકારે વિધાર્થીઓના હિત માટે વધુ એક નિર્ણય કર્યો છે. સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં મેડીકલ-પેરામેડીકલ સિવાયના સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ કે કોવિડ-19 સંક્રમણ સ્થિતીમાં આ વર્ષ પૂરતું મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપવામાં આવશે. જેમાં યુનિવર્સિટી- કોલેજોમાં અભ્યાસ કરતાં બીજા, ચોથા તેમજ છઠ્ઠા સેમીસ્ટરના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે.

બીજા, ચોથા અને છ્ઠ્ઠા સેમેસ્ટરના વિધાર્થીઓને પ૦ ટકા ગુણ આંતરિક મુલ્યાંકન અને પ૦ ટકા ગુણ અગાઉના સેમિસ્ટરના આધારે આપવામાં આવશે. જેનો રાજ્યના અંદાજે ૯.૫૦ લાખ જેટલા યુવાઓને લાભ થશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીના આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં શાળા-કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે. આવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંદાજે ૯.૫૦ લાખ જેટલી છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં નહિં આવી હોય તો ત્યાં પ૦ ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના પ૦ ટકા ગુણ તુરતના અગાઉના પ્રિવીયસ સેમિસ્ટરના આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલ ખરેખર ગુણ ધ્યાને લેવાશે.

શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવતા કહ્યું કે, રાજ્યમાં હાલ ૧૮ થી ૪૪ની વયજૂથના લોકોની કોરોના વેકસીનેશન કામગીરી ચાલી રહી છે. આવા યુવા વિદ્યાર્થીઓમાંથી બહુધા વિદ્યાર્થીઓને રસી આપવાની બાકી છે ત્યારે સમગ્ર વિદ્યાર્થી જગતના વિશાળ આરોગ્ય હિતમાં સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

Related Post

Verified by MonsterInsights