Sun. Sep 8th, 2024

વાવાઝોડામાં થયેલા નુકસાન બદલ રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી, સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95,100 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં આવેલા ટાઉતે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુંપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટાઉતે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવા સર્વે માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેન પાવર બોલાવીને તેમની પણ સેવાઓ આ સર્વેમાં લઈ સર્વે કામગીરી વેગવાન બનાવવામાં આવી છે.

 

ટાઉતે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને આવા મકાનોને થયેલા નુકસાન અંગે નુકસાન સહાયના ધોરણો મુખ્યમંત્રીએ જાહેર કર્યા છે. જે અંતર્ગત રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95,100 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. અંશત: નુકસાન પામેલા કાચા- પાકા મકાનો એટલે કે છાપરા- નળીયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે 25000 રૂપિયાની સહાય અપાશે.

આ વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે 10,000 રૂપિયાની સહાય તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ- વાડાને થયેલા નુકસાન માટે 5000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં આવા મકાનોના સર્વેની હાલ ચાલી રહેલી કામગીરીને ત્વરાએ પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.

Related Post

Verified by MonsterInsights