Sun. Sep 8th, 2024

રાજકોટમા શરૂ કરાયું ભારતનું સૌ પ્રથમ ‘૭ લેયર’ માસ્કનું માસ પ્રોડક્શન

આફતને અવસરમાં પલટાવવાની ગુજરાતીઓની આગવી ખૂબી મુજબ ગત વર્ષે કોરોના આવતા સ્પોર્ટ્સ વેર બનાવતી કંપનીને ઓર્ડર મળતા બંધ થયા. આ સમય દરમ્યાન રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને ઉદ્યોગપતિઓને વેન્ટિલેટર, પી.પી.ઈ કીટ તેમજ માસ્કનું ઉત્પાદન કરવા પ્રેરણા પુરી પાડી હતી. આ દરમિયાન ભાવેશભાઈ બુસાએ પણ માસ્ક ઉત્પાદન કરવાનું નક્કી કર્યુ. બજારમાં તે સમયે એન – ૯૫ માસ્કની માંગ પણ તે મોંધા હોવાથી દરેકને ન પોસાય તે સ્વાભાવિક છે.

આથી નક્કી કર્યું કે સૌને પરવડે તેવા ભાવે ચીલાચાલુ નહિ, પરંતુ ગુણવત્તાસભર અને કંઈક અલગ આપવું. બજારમાં મળતા એન – ૯૫ માસ્કની સામે વધુ ટકાઉ અને સુરક્ષિત માસ્ક બને તે માટે ભાવેશભાઈ અને તેની ટીમે ડબલ ફીલ્ટર્ડ, સેવન લેયર માસ્કની ડિઝાઇન તૈયાર કરી. જેમાં બેક્ટેરિયા ફીલ્ટર્ડ મટીરીયલ તરીકે મેલ્ટ બ્લોન અને સ્પિન બાઉન્ડેડ લેયર ફાઈવ ઈન વન મટીરીયલ જે માત્ર સમગ્ર ભારતમાં બે જ કંપની બનાવે છે. તેમાંથી જિંન્દાલ કંપનીનું સ્ટાન્ડર્ડ મટીરીયલમાંથી માસ્ક બનાવવાનું નક્કી કર્યું. આ ઉપરાંત ટ્રિપલ પ્રોટેક્શન માટે આગળ પોલિયેસ્ટર ફેબ્રિક અને અંદર તરફ કોટન લેયર જોડી તેને સેવન લેયરનું બનાવી ‘પાઇટેક્સ’ બ્રાન્ડ સાથે માસ્કના માસ પ્રોડક્શનનો યજ્ઞ પ્રારંભ કરાયો.

કંપની પાસે અત્યાધુનિક ઓટોમેટેડ કટિંગ મશીન સહિત 55 જેટલા જાપાની સિલાઈ મશીન પહેલેથી જ ઉપલબ્ધ હતાં, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માલ મટીરીયલ્સ માટે વધુ મૂડીની જરૂર હોઈ તેઓને લોન લેવાની ફરજ પડી. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો. કેન્દ્ર દ્વારા તેઓને ગુજરાત ઔદ્યોગિક નીતિ 2015 હેઠળ એમ.એસ.એમ.ઈ ઉદ્યોગને લોન ઉપરાંત કેપિટલ અને ઈન્ટરેસ્ટમાં સબસીડી પણ પુરી પાડવામાં આવે છે. જે ધોરણો મુજબ કંપનીને રૂ. ૬૦ લાખની લોન સામે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ હેઠળ રૂ. ૧૦ લાખ ૫૪ હજાર કેપિટલ સબસીડી તેમજ ૫ લાખ ૨૩ હજાર ૨૬૨ રૂ. ઇન્ટરેસ્ટ સબીસીડી રાહત રૂપે પુરી પડાઈ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં નિર્ણાયક સરકાર દ્વાર એમ.એસ.એમ.ઈ ઉદ્યોગ માટે નવી ઉદ્યોગ નીતિ – ૨૦૨૦ અમલી બનાવી છે. જે અંતર્ગત એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળી રહેશે, સાથોસાથ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં નવા પ્રાણ ફૂંકાશે તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરીએ જણાવ્યું છે.

સિલાઈ કામમાં ચોકસાઈ અને ખંતથી મહિલાઓની હથૌટી હોઇ ભાવેશભાઈએ આ કામ માટે પણ મહિલા કારીગર પર ભાર મૂકી ફેકટરીમાં કામ કરતી અને અન્ય મળી ૩૦ જેટલી મહિલાઓની ટીમ બનાવી દરેકને અલગ અલગ ટાસ્ક સોંપવામાં આવ્યું. માસ્કની પ્રોસેસમાં મટીરીયલનું લેયિંગ, ડ્રોઈંગ, કટિંગ, સિલાઈ, બોર્ડર અલગ મટીરીયલ્સમાંથી બનાવવી, તેમાં ઈઅર રબર લગાડવા, લોગો ચોટાડવા, માસ્ક ટેસ્ટિંગ અને પેકીંગ સહિતની કામગીરી આ મહિલા દ્વારા કરવામાં આવે છે.

રોજના ૩૫૦૦ જેટલા માસ્કનું ઉત્પાદન હાલ કંપની દ્વારા કરવામાં આવે છે. માત્ર એટલું જ નહીં સાત સમુદ્ર પાર અમેરિકા, ઓસ્ટ્રેલિયા તેમજ લંડન ખાતે પણ તેમના માસ્કની ડિમાન્ડ થાય છે. જાણીતી કંપનીઓ દ્વારા તેમના લોગો સાથેના માસ્કની મોટા પાયે ડિમાન્ડને કંપની દ્વારા વિશેષ ધ્યાન આપી તેઓની માંગ મુજબના માસ્ક પુરા પાડવામાં આવે છે. હાલ સિંગલ યુઝ માસ્કની પણ તેટલી જ ડિમાન્ડ છે જે થ્રિ લેયર માસ્ક તરીકે ઓળખાય છે. જેમાં એડિસન કરી આજ મટીરીયલ સાથે કંપની દ્વારા સિંગલ યુઝ ફોર લેયર માસ્ક અને તે પણ કિફાયતી ભાવે માર્કેટમાં મુકવા પ્રોસેસ ચાલી રહી છે.

 

Related Post

Verified by MonsterInsights