Sat. Dec 21st, 2024

રાજ્યમાં પ્રથમ એન્ટીબોડી કોકટેલ ઈન્જેક્શન વડોદરાની 54 વર્ષીય મહિલાને અપાયું

રાજ્યમાં પ્રથમ એન્ટીબોડી કોકટેલ ઈન્જેક્શન વડોદરાની 54 વર્ષીય મહિલાની કોરોના સારવાર કરાઈ છે. ગોત્રી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી કોરોનાગ્રસ્ત મહિલા પર ઈન્જેક્શનનો પ્રયોગ સફળ નીવડ્યો છે. ઈન્જેક્શન આપતાં જ મહિલા દર્દીનું ઓક્સિજન લેવલ 5 કલાકમાં જ 93 થી વધીને 97 થયું હતું. આ ઈન્જેકશનના એક ડોઝની કિંમત 59750 રૂપિયા છે. હાલ 14 જેટલા કોકટેલ ઈન્જેકશન દવા બજારમાં ઉપલબ્ધ છે. આવું એન્ટીબોડી કોકટેલ ઈન્જેક્શન યુ.એસ.એના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ટ્રમ્પે પણ લીધું હતું.તેમજ તાજેતરમાં જ ભારતના હરિયાણામાં તેનાથી પહેલી સારવાર કરાઈ હતી.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ રીતે રિકવર થયા હતા

હરિયાણાના ગુડગાંવમાં હાલમાં જ 84 વર્ષના વૃદ્ધ મોહબ્બત સિંહની સારવાર મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી કરવામાં આવી છે. આ દર્દીને કોરોના સહિત અનેક બીમારીઓ હતી. મોહબ્બત સિંહ એન્ટિબોડી કોકટેલ દવાથી સાજા થનારા દેશની પ્રથમ વ્યક્તિ બની ગયા છે. આ અગાઉ ગત વર્ષે તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કોરોના પોઝિટવ આવ્યા પછી આ પ્રકારે સાજા કરવામાં આવ્યા હતા.

આ ઈન્જેક્શનની ખાસિયત

જો કોરોના સંક્રમિત વ્યક્તિને 7 દિવસની અંદર આ દવાનો ડોઝ આપવામાં આવે તો એમાં 70-80% લોકો કે જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય છે તેઓ ઘરે જ સ્વસ્થ થઈ જાય છે. તેમણે હોસ્પિટલે જવાની જરૂર રહેતી નથી. તેમણે કહ્યું હતું કે મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી ઈલાજ કરવાનું ચલણ સૌથી વધુ અમેરિકા અને યુરોપમાં છે.

ગુજરાતને મળ્યા ઈન્જેક્શનના 84 વાઈલ

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વિત્ઝર્લેન્ડની રોશ કંપનીના આ ઇન્જેકશનનો જત્થો કંપનીમાંથી સીધો ગુજરાતમાં આવ્યો છે. ગુજરાત ને 84 વાઇલ મળ્યા છે. ત્યારે વડોદરા ઉપરાંત સુરત, રાજકોટ, જામનગર, અમદાવાદમાં પણ આ ઇન્જેકશન ફાળવવામાં આવ્યા છે. આ ઈન્જેક્શનની ખાસિયત એ છે કે, તે કોરોનામાં મોડરેટ દર્દીઓની સારવાર માટે વપરાય છે. તેમજ તેનાથી મોતની શક્યતા 70 ટકા સુધી ઘટાડી શકાય છે. જે પૈકી એક ઈન્જેક્શન શહેરની ખન્ના હોસ્પિટલ દ્વારા 54 વર્ષીય મહિલા દર્દીને આપવામાં આવ્યું હતું. આ મહિલા દર્દી ડાયાબિટિક હતા અને તેમનું ઓક્સિજન લેવલ 93ની આસપાસ હતું. ઇન્જેકશન અપાતા 5 કલાકમાં જ ઓક્સિજન લેવલ 97 પર પહોંચ્યું હતું.

આ ઇન્જકશનો વડોદરાની અલગ અલગ હોસ્પિટલોને અપાયા છે. જેમાં ભાઇલાલ અમીન, ટ્રાયકલર અને ખન્ના હોસ્પિટલ સામેલ છે.

Related Post

Verified by MonsterInsights